
ઉમરગામ તાલુકામાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ–ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન–વલસાડ તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ–વલસાડના સંકલિત આયોજનથી બી.આર.સી. ઉમરગામ દ્વારા બી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું. પ્રદર્શનમાં તાલુકાના વિવિધ શાળાઓના નાનાં વૈજ્ઞાનિકોએ પોતાના મોડલ્સ, પ્રયોગો અને સર્જનાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. બાળકોના આત્મવિશ્વાસ અને વૈજ્ઞાનિક વિચારે સૌને પ્રભાવિત કર્યા હતા.

આ કાર્યક્રમની એક વિશેષતા તરીકે નિલેશભાઈ પટેલ દ્વારા દરેક હાજર બાળકોને હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું. નિલેશભાઈએ ઉમરગામમાંના બાળકોમાં સંસ્કાર, શ્રદ્ધા અને ધાર્મિક મૂલ્યોનો વિકાસ થાય તે માટે “દરેક બાળક હનુમાન ચાલીસા પાઠ કરે” એવો અનોખો સંકલ્પ લીધો છે. તેમના આ સંકલ્પને માતા-પિતા, શિક્ષકો અને બાળકો તરફથી વિશાળ પ્રતિસાદ મળ્યો છે.
નિલેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે બાળકોનું સર્વાંગી વિકાસ માત્ર શિક્ષણથી જ નહીં, પરંતુ સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિથી પણ થાય છે. પ્રદર્શનમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.
