નાનાપોઢા–અરનાલા મારીમાતા ચોકડી પર હડકવા થયેલા કૂતરાની દહેશત, અનેક લોકોને બચકા ભર્યા


નાનાપોઢાના અરનાલા વિસ્તારમાં આવેલી મારીમાતા ચોકડી પર હડકવા થયેલા કૂતરાએ ભયંકર દહેશત ફેલાવી છે. અચાનક ઉગ્ર બનેલા આ કૂતરાએ રસ્તે પસાર થતા તેમજ આજુબાજુ રહેવાસીઓ પર હુમલો કરતા અનેક લોકોને બચકા ભર્યા હોવાના બનાવો સામે આવ્યા છે. ઘટનામાં એક વિકલાંગ વ્યક્તિ સહિત બે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે, જેમાં એકને આંખના ભાગે અને અન્યને પગમાં બચકા ભરાતા સ્થિતિ ચિંતાજનક બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, હડકવા થયેલા કૂતરાએ માત્ર માનવોને જ નહીં પરંતુ આસપાસના રખડતા અન્ય કૂતરાઓને પણ બચકા ભર્યા છે, જેના કારણે વિસ્તારમાં વધુ ફેલાવાની ભીતિ ઊભી થઈ છે. ઘટના બનતા જ ચોકડી અને આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો ઘરમાં બંધ થવા મજબૂર બન્યા હતા અને વેપારીઓએ પણ દુકાનો બંધ કરી દીધી હતી.


સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે મારીમાતા ચોકડી આસપાસ નિયમિત રીતે કચરો નાખવામાં આવતો હોવાથી રખડતા કૂતરાઓની સંખ્યા વધતી જઈ રહી છે. ખોરાકની સરળ ઉપલબ્ધતા અને યોગ્ય નિયંત્રણના અભાવે કૂતરાઓનું ટોળું વિકટ સ્થિતિ સર્જી રહ્યું છે. અગાઉ પણ અહીં નાના બનાવો બન્યા હોવાનું લોકોએ જણાવ્યું છે, પરંતુ આટલી ગંભીર ઘટના પહેલીવાર સામે આવી છે.


ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે અને હડકવા વિરોધી ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પગલાં લઈ હડકવા થયેલા કૂતરાને પકડી યોગ્ય કાર્યવાહી કરવા, તેમજ વિસ્તારમાં સફાઈ અને કચરા નિયંત્રણ સાથે રખડતા કૂતરાઓની સંખ્યાને કાબૂમાં લેવા માંગ કરી છે. જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો આવનારા દિવસોમાં વધુ ગંભીર અકસ્માતો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles