
મેલબોર્ન શહેરમાં ભારતીય ક્રિકેટ ટીમના પ્રવાસ દરમિયાન એક વિશેષ ધાર્મિક અને સંસ્કૃતિક પ્રસંગ બન્યો હતો. આવનારી T20 મેચ માટે મેલબોર્નમાં પહોંચેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે ખેરગામના વતની અને હાલ ઓસ્ટ્રેલિયામાં વસતા અંબરીશ પ્રફુલભાઈ શુક્લે સૌજન્ય મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન અંબરીશ શુક્લે ટીમના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ — શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ સાથે તેમજ પૂર્વ ભારતીય કોચ અને જાણીતા કોમેન્ટેટર રવિ શાસ્ત્રી સાથે હાર્દિક મુલાકાત કરી હતી. તેમણે ખેલાડીઓને વૈદિક રીતિથી આશીર્વાદ આપ્યા હતા અને આવનારી મેચમાં વિજય માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરી હતી.

અંબરીશ શુક્લે જણાવ્યું કે “ભારતીય ક્રિકેટ ટીમ માત્ર રમતનું નહીં, પણ ભારતની સંસ્કૃતિ, શાંતિ અને એકતાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. જ્યાં પણ ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતરે છે, ત્યાં ભારતની આધ્યાત્મિક શક્તિ પણ તેમની સાથે રહે છે.” તેમણે આશા વ્યક્ત કરી કે આ મેચમાં ટીમ ઈન્ડિયા વિજયી બની રાષ્ટ્રગૌરવ વધારશે.

આ પ્રસંગે રવિ શાસ્ત્રીએ અંબરીશ શુક્લના આ ધાર્મિક આશીર્વાદને અનોખો અને પ્રેરણાદાયક સંદેશ ગણાવ્યો હતો. ખેલાડીઓએ પણ અંબરીશ શુક્લનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની શુભકામનાઓને આનંદપૂર્વક સ્વીકારી હતી.

ઉલ્લેખનીય છે કે મેલબોર્નમાં આ સપ્તાહે વરસાદની આગાહી હોવા છતાં મેચ માટે ઉત્સાહ ચરમસીમાએ છે. ક્રિકેટપ્રેમીઓ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબરીશ પ્રફુલભાઈ શુક્લ પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લના જયેષ્ઠ પુત્ર છે. તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરી રહ્યા છે અને ત્યાં ધાર્મિક, સાંસ્કૃતિક તથા સામાજિક ક્ષેત્રે સક્રિય છે. વિવિધ મંદિરો અને ભારતીય સંસ્થાઓ સાથે જોડાઈને તેઓ નિયમિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે.
અંબરીશ શુક્લે આ મુલાકાતને “ધર્મ અને રમતના સંગમનો પવિત્ર ક્ષણ” તરીકે ગણાવી હતી. તેમની આ મુલાકાતે મેલબોર્નના ભારતીય સમુદાયમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી ગઈ છે. સૌએ મળીને ટીમ ઈન્ડિયાના વિજય માટે પ્રાર્થના કરી અને “જય ભારત”ના નાદ સાથે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
