
વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના સુખાલા ગામે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ દરમ્યાન ભાગવતાચાર્ય પ.પૂ. આશિષભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં એક અનોખી સેવાકીય મુલાકાત યોજાઈ .

આમુલાકાત માં આદિવાસી ક્ષેત્રમાં સતત સેવાકાર્ય કરતી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈના ટ્રસ્ટીઓ સાથે પ્રેરણાદાયી ચર્ચા યોજાઈ હતી.
આ પ્રસંગે ટ્રસ્ટના મુખ્ય સભ્યો તરીકે ભાવિષભાઈ ભૂતા (મુંબઈ), રાજનભાઈ પંડ્યા (મુંબઈ), રેન્બો વોરિયર્સ કો.ના કોર્ડિનેટર શંકરભાઈ પટેલ, તેમજ નિવૃત્ત અધિક કલેક્ટર જે.ડી. પટેલ અને સમભાવ સંદેશના તંત્રી સતિષ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભાગવતાચાર્ય પ.પૂ. આશિષભાઈ વ્યાસે મુલાકાત દરમિયાન જણાવ્યું કે — “આદિવાસી ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સંગઠિત સેવા જ સમયની જરૂરિયાત છે. ગામડાંના શિક્ષણ, આરોગ્ય અને આધ્યાત્મિક વિકાસ માટે જે જરૂર પડે ત્યાં હું હંમેશા સહયોગ આપવા તત્પર રહીશ.”
આ પ્રસંગે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટના સેવાકાર્યની પ્રશંસા કરતાં આશિષભાઈ વ્યાસે જણાવ્યું કે, “ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારોમાં 13 લાયબ્રેરીની સ્થાપના, શાળાના મકાનોનું નિર્માણ અને સ્મશાન ભૂમિ વિકાસ જેવા કાર્ય અત્યંત બિરદાવવા લાયક છે.” તેમણે ઉમેર્યું કે આવી સંસ્થાઓ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પ્રકાશ પહોંચાડે છે — એ જ સચ્ચી સેવા છે.
આ મુલાકાત દરમિયાન આદિવાસી વિસ્તારના અન્ય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને ભવિષ્યમાં શિક્ષણ, પુસ્તકાલય અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે મળીને કાર્ય કરવાની સંકલ્પના વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુખાલા ગામની લાયબ્રેરીની મુલાકાત દરમિયાન પણ ભાગવતાચાર્ય પ.પૂ. આશિષભાઈ વ્યાસે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને તેમને વાંચન, જ્ઞાન અને સંસ્કાર દ્વારા જીવનમાં પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી.
આ રીતે સુખાલા ગામની શ્રીમદ્ ભાગવત કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી ન રહી, પરંતુ તે સમાજસેવા અને શિક્ષણના મિશનનું પ્રતીક બની રહી છે. આશિષભાઈ વ્યાસ અને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ જેવા સેવાભાવી સંગઠનોના સંકલ્પથી આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસની નવી દિશા નિશ્ચિતપણે ઊજળી બનશે છે.
