
વાપી મનપા દ્વારા રૂ. ૧૯.૬૪ કરોડના ખર્ચે રસ્તા, લાઈટ અને પાણીના કુલ ૧૨ કામોનું પણ મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

૧૧ ગામોનો મનપામાં સમાવેશ થતા રસ્તા, સ્ટ્રીટલાઈ, કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થતા નવા વિસ્તારોની કાયાપલટ થશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
વડાપ્રધાનશ્રીએ જીએસટી દરમાં ધરખમ ઘટાડો કરતા આજે ગરીબ અને મધ્યમ વર્ગના નાણાંની બચત થઈ રહી છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
વિકાસ સપ્તાહ ઉજવણી- વલસાડ જિલ્લો

વાપી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વટાર, કુંતા અને મોરાઈ વિસ્તારોમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ નવનિર્મિત વટાર આઈટીઆઈના સંકુલમાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વાપી મહાનગરપાલિકામાં ૧૧ ગામોનો સમાવેશ થયા બાદ રૂ. ૬ કરોડના વધુ નવા રસ્તાના કામો મંજૂર થયા છે. સ્ટ્રીટ લાઈટ નંખાઈ રહી છે, સફાઈ નિયમિત થઈ રહી છે. વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ થઈ રહ્યો છે. જેથી આરોગ્ય અને તંદુરસ્તીમાં પણ સુધારો જોવા મળશે, તમામ ૧૧ ગામોની કાયાપલટ થશે. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળી વણથંભી વિકાસની યાત્રા શરૂ કરી ત્યાર લોકો કહેતા કે, અમને રાત્રે જમવા સમયે અડધો કલાક વીજળી આપો પરંતુ મોદીજીએ ૨૪ કલાક વીજળી આપી, સોલાર પોલીસી બનાવી, ખેડૂતોની માંગણી મુજબ દિવસે વીજળી આપી, એક પછી એક સાગર ખેડૂ યોજના, વનબંધુ કલ્યાણ યોજના અને કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ સહિતની અનેક પહેલ કરી ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવ્યુ છે.
જીએસટી દરનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યુ કે, ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી વડાપ્રધાનશ્રીએ જીએસટીના દરમાં ધરખમ ઘટાડો કર્યો છે. જેનાથી દરેક વર્ગની બચત થઈ રહી છે. વાપી મનપા બની ત્યારે સૌ પ્રથમ વટાર ગામે સંમતિ આપી હતી. નગરપાલિકાની કેટલીક મર્યાદા હોય પરંતુ મહાનગરપાલિકા બનતા અનેકવિધ વિકાસ કાર્યો થઈ રહ્યા છે. વિકાસના દરેક કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મનપામાં સમાવેશ થયેલા ગામોને આગામી દિવસોમાં ટેક્સ અંગે ચિંતા ન કરવા અંગે પણ મંત્રીશ્રી એ ખાતરી આપી હતી.
મંત્રીશ્રીના હસ્તે વાપીના વટાર ખાતે કલારીયા રોડ પર રૂ. ૯.૫૨ કરોડના ખર્ચે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવા મકાનની તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ વાપી મહાનગરપાલિકાના કુલ ૬ રસ્તાના રૂ. ૧૩.૦૭ કરોડના કામો, લાઈટ વિભાગના કુલ ૩ કામ રૂ. ૧.૫૮ કરોડના અને પાણી વિભાગના રૂ. ૪.૯૯ કરોડના ૩ કામો મળી કુલ રૂ. ૧૯.૬૪ કરોડના કુલ ૧૨ કામોનું મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.
વાપી મનપાના ડેપ્યુટી કમિશનર શ્રીમતી આસ્થા સોલંકીએ વાપી મનપાના વિકાસના કામોની રૂપરેખા આપી હતી. ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નાયબ નિયામકશ્રી (તાલીમ) વી.એ.ટંડેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના પ્રયાસથી હવે વાપી તાલુકાનું યુવાધન ઘર આંગણે વ્યવસાયલક્ષી તાલીમ મેળવી શકશે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાપી ખાતે હાલમાં કુલ ૦૭ ટ્રેડમાં ૨૧ બેચ કાર્યરત છે. જેની કુલ ૪૪૪ મંજૂર બેઠકો ઉપર ૨૦૮ તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. સંસ્થા ખાતે હાલ કોમ્પ્યુટર, વાયરમેન, ફિટર, વેલ્ડર,સુઈંગ ટેકનોલોજી,ઈલેક્ટ્રીશ્યન, એઓસીપી જેવા ટ્રેડ હાલ કાર્યરત છે તેમજ ઔદ્યોગિક એકમોની જરૂરીયાત મુજબ નવા ટ્રેડ પણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. આભારવિધિ વટાર આઈટીઆઈના પ્રિન્સીપલ નેહલ પટેલે કરી હતી.
આ પ્રસંગે વાપી વીઆઈએના પ્રમુખ સતિષ પટેલ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનિષ દેસાઈ, વાપી પાલિકાના માજી કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, પારડી તાલુકા સંગઠનના માજી પ્રમુખ મહેશ દેસાઈ, વાપી તાલુકા સંગઠનના પ્રમુખ સમય પટેલ, વાપી મનપાના ડેપ્યુટી કમિશનરશ્રી અશ્વિન પાઠક, ઈન્ચાર્જ ચીફ સિટી ઈજનેર જતીન પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
