
વલસાડ શહેરના બંદર રોડ પર ઔરંગાનદી કિનારે આવેલ અને શ્રી વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાહ ખીમચંદ મુળજી હાઈસ્કૂલમાં “સરસ્વતી સન્માન કાર્યક્રમ” યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ 10 SSC પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શાળામાં ધોરણ 9થી 12માં આશરે 200 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ પ્રત્યે ઉમદા ભાવના ધરાવતા શ્રી જીગીશભાઈ મરજાદી દ્વારા ધોરણ 10ના વિધાર્થીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ ક્રમના વિધાર્થીઓને દર વર્ષે રોકડ પુરસ્કાર આપવાની પરંપરા ચાલુ છે.

આ વર્ષે માર્ચ 2025ની SSC પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર પલ પંકજભાઈ પટેલને રૂ. 5000નો, દ્વિતીય ક્રમ મેળવનાર નિરાલી નીતિનભાઈ પટેલ તથા શુભમ શિવપૂજન તિવારીને રૂ. 3000ના પુરસ્કાર અને તૃતીય ક્રમ મેળવનાર દક્ષ અનિલભાઈ રાઠોડને રૂ. 2000નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શાળાની આચાર્યા શ્રીમતી જયશ્રીબેન ભગતે વિધાર્થીઓને અભિનંદન પાઠવી તેમની મહેનત અને પ્રતિભાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા પ્રોત્સાહક પુરસ્કારો વિધાર્થીઓમાં વધુ ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના જગાડે છે. તેમણે શ્રી જીગીશભાઈ મરજાદી પ્રત્યે શાળાની તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે શ્રી વલસાડ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ શ્રી વિનોદભાઈ દેસાઈ તથા માનદ મંત્રી શ્રી દોલતભાઈ દેસાઈે હાજરી આપી વિધાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમમાં શાળાના શિક્ષકવૃંદમાંથી નયનાબેન પ્રજાપતી, નીતલબેન ચૌધરી, વિભૂંદાબેન ગામીત, અંજુબેન ટંડેલ, રાજીવ ટંડેલ, મલકેશ રાણા, રવિ ટંડેલ અને ચેતક પટેલ સહિતના શિક્ષકો તથા વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિધાર્થીઓમાં આનંદ અને પ્રેરણાનો માહોલ છવાઈ ગયો હતો.
