કચ્છના દરિયામાં ATSનું મેગા ઓપરેશન : ₹200 કરોડનું 110 કિલો કોકેઈન ઝડપાયું, 3 આરોપીઓ ઝડપાયા

ગુજરાત ATS, ભારતીય કોસ્ટગાર્ડ અને કચ્છ SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા એક મોટા ઓપરેશનમાં કચ્છના દરિયામાંથી આશરે ₹200 કરોડની કિંમતનું 110 કિલોથી વધુ કોકેઈન ઝડપી પાડવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરીને ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સામે આ કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્રમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
ગુજરાતમાં અંદાજે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે, જેમાં ખાસ કરીને કચ્છનો દરિયાઈ વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ હેરાફેરી માટે સંવેદનશીલ બન્યો છે. અગાઉ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બીનવારસી ડ્રગ્સના પેકેટો મળી આવ્યા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત ATSને ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી કે ‘યુરોપ’ નામના કાર્ગોશીપ મારફતે મોટા પ્રમાણમાં કોકેઈન ગુજરાત તરફ લાવવામાં આવી રહ્યું છે.
આ બાતમીના આધારે ATS, ભારતીય કોસ્ટગાર્ડ અને કચ્છ SOGની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દરિયામાં શંકાસ્પદ જહાજને આંતરીને તેની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જહાજમાંથી આશરે 110 થી 118 કિલો જેટલું કોકેઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે ₹200 કરોડથી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ઓપરેશન દરમિયાન ડ્રગ્સ સાથે સંકળાયેલા કુલ ત્રણ શખસોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં એક વ્યક્તિ જહાજ મારફતે કોકેઈન લાવી રહ્યો હતો, જ્યારે દિલ્હી ખાતે તેની ડિલિવરી લેવા માટે આવેલા બે આરોપીઓને પણ ATSએ ઝડપી પાડ્યા છે. બીજી તરફ એક શંકાસ્પદ વ્યક્તિ દરિયામાં કૂદી ફરાર થઈ જતા તેની શોધખોળ માટે કોસ્ટગાર્ડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જપ્ત કરાયેલા નશીલા પદાર્થના નમૂનાઓની તપાસ માટે FSLની ટીમને પણ જોડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કોકેઈનનો જથ્થો યુરોપથી દરિયાઈ માર્ગે ભારતમાં લાવવામાં આવી રહ્યો હતો. ATS હવે આ સમગ્ર રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન, ફંડિંગ, સપ્લાય ચેઇન અને ભારતમાં કોને આ ડ્રગ્સ પહોંચાડવાનું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ગુજરાત ATSના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતના સરહદી અને દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્વો વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંકલન સાથે સર્જિકલ સ્ટ્રાઈક જેવી કામગીરી કરીને ડ્રગ્સ માફિયાના નેટવર્કને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાતનો દરિયાઈ વિસ્તાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ માટે મહત્વનો માર્ગ બની રહ્યો છે. ત્યારે સુરક્ષા એજન્સીઓ માટે દરિયાઈ પેટ્રોલિંગ અને ગુપ્તચર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પણ ઉભી થઈ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles