
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં જનહિત, ખેડૂત કલ્યાણ અને રાજ્યના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ કામો સમયમર્યાદામાં તેમજ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. ખાસ કરીને સરકારી પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બને તે માટે રેવન્યુ વિભાગને નિયમો સરળ બનાવવા તેમજ સંબંધિત વિભાગોને તાત્કાલિક એનઓસી આપવા સૂચના આપવામાં આવી હતી.
ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના તળાવો ભરવાના કામને વેગ આપવા તેમજ નગરપાલિકા વિસ્તારોમાં વ્યાપક વૃક્ષારોપણ માટે ખાસ આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે જરૂર જણાય તો અલગ બજેટ હેડ ઉભું કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.
ખેડૂતોના હિતમાં સરકારે બે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવામાં મળતી સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે. સાથે જ ખેતરોની સુરક્ષા માટેની તાર ફેન્સિંગ યોજનામાં પણ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પ્રતિ ફૂટ રૂ. ૨૦૦ મળતી સહાય હવે વધારીને રૂ. ૩૦૦ કરવામાં આવી છે. આ યોજનાને ખેડૂતોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હોવાનું અને આઈ-પોર્ટલ પર અત્યાર સુધીમાં એક લાખથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ હોવાનું જણાવાયું હતું.
કૃષિ ક્ષેત્રે ડાંગર અને બાજરીની ખરીદી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જ્યારે આગામી ૬ જૂનથી ઉનાળુ મગની ખરીદી પણ શરૂ થશે. બારદાનની સમસ્યાનો પણ ઉકેલ લાવવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને ખાતરની તંગી ન સર્જાય તે માટે કેન્દ્ર સરકાર સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું. જેપી નડ્ડા દ્વારા ખાતરની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર “વિકાસ અને વિશ્વાસ”ના સૂત્ર સાથે સેવા કાર્યોનું આયોજન કરશે. આ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં ત્રણ દિવસીય પ્રદર્શન યોજાશે અને સરકારી યોજનાઓ માટે સ્થળ પર જ નોંધણીની સુવિધા આપવામાં આવશે. ૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ રાજ્યમાં ૬ કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં ૧૦૦૦થી વધુ સ્થળોએ વર્કશોપ યોજાશે અને ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણ માટે ખાસ બજારો ઉભા કરવામાં આવશે. આગામી ૨૧ જૂને તાલુકા કક્ષા સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પણ ભવ્ય રીતે કરવામાં આવશે. ઉપરાંત, જરૂર જણાય ત્યાં સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા અંગે વિભાગીય સ્તરે નિર્ણય લેવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી હોવાનું જાણવા મળ્યું છે.
