
Rahul Gandhi Security: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અનિશ્ચિત વિદેશ પ્રવાસો સામે વાંધો ઊઠાવ્યો છે. સુરક્ષા પ્રોટોકોલ તોડવા બદલ તેમને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર CRPFના VVIP સુરક્ષા વડા દ્વારા જાહેર કર્યો છે અને તેની એક નકલ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પણ મોકલવામાં આવી છે. આ પત્ર 10મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી સતત તેમની સુરક્ષા ટીમ દ્વારા નક્કી કરાયેલા સુરક્ષા ધોરણોનું પાલન કરી રહ્યા નથી.
વીવીઆઈપી સુરક્ષા વડાએ પત્રમાં શું લખ્યું…
અહેવાલો અનુસાર, વીવીઆઈપી સુરક્ષા વડાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સુરક્ષા પ્રત્યેના વલણ પર પણ સવાલ ઊઠાવ્યા છે. તેમણે પત્ર લખ્યો છે કે, રાહુલ ગાંધી સતત તેમની સુરક્ષા ટીમ દ્વારા નક્કી કરાયેલા સુરક્ષા ધોરણોનું પાલન કરી રહ્યા નથી. નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘Z’ પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે, જેમાં એડવાન્સ સિક્યુરિટી લાયઝન (ASL) કવર પણ શામેલ છે. આ દેશની સર્વોચ્ચ સુરક્ષા શ્રેણીઓમાંની એક છે, જેમાં મોટી સંખ્યામાં CRPF જવાનો હંમેશા સુરક્ષા માટે તહેનાત રહે છે.
રાહુલ ગાંધી અચાનક વિદેશ પ્રવાસે ગયા હતા
બિહારમાં વોટર અધિકાર યાત્રા પૂર્ણ કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અચાનક વિદેશ પ્રવાસે ગયા હતા. તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વાઈરલ થઈ રહી હતી. જો કે, તે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવા માટે ભારત પરત ફર્યા છે અને પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બિહાર યાત્ર દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ અચાનક રાહુલ ગાંધીજીને ગળે લગાવ્યા હતા. રાહુલ ગાંધી પણ આ ઘટનાથી ક્ષણિક રીતે ચોંકી ગયા હતા. આ ઘટના પૂર્ણિયા જિલ્લામાં બની હતી, જ્યાંથી રાહુલ ગાંધી દિવસના તેમના છેલ્લા સ્ટોપ, અરરિયા માટે મોટરસાઈકલ પર નીકળ્યા હતા. આરજેડી નેતા તેજસ્વી યાદવ સહિત મોટી સંખ્યામાં બાઇકર્સ રાહુલ ગાંધી સાથે હતા.