નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલી ભારતીય વૉલીબૉલ ટીમનું સફળ રેસ્ક્યૂ, ભાવુક વીડિયો વાઈરલ

Indian Volleyball Team Returned From Nepal: નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન વચ્ચે ભારતીય દૂતાવાસે ભારતીય વૉલીબૉલની ટીમને સુરક્ષિત પરત વતન લાવવામાં સફળતા મેળવી છે. ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગિલ નેપાળમાં એક વૉલીબૉલ લીગ માટે ગઈ હતી. પરંતુ અચાનક ફેલાયેલી હિંસામાં તે ફસાઈ હતી. વીડિયોમાં તેણે ભારતીય દૂતાવાસને ટીમની સુરક્ષા સુનિશ્ચિત કરતાં સક્રિયપણે કામગીરી હાથ ધરવા અપીલ કરી હતી. 

વીડિયો અપીલથી થઈ મદદ

ઉપાસના ગિલએ પોખરાથી વીડિયો રજૂ કરી મદદની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ‘મારૂ નામ ઉપાસના ગિલ છે, હું આ વીડિયો પ્રફુલ ગર્ગને મોકલી રહી છું. હું ભારતીય દૂતાવાસ સમક્ષ મદદની અપીલ કરુ છું. જે પણ મદદ કરી શકો છો, મહેરબાની કરીને કરો. હું પોખરા, નેપાળમાં ફસાયેલી છું.’ ગિલે પોતાની હોટલ પર હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે, ‘જે હોટલમાં રોકાઈ હતી, તેને ઉપદ્રવીઓએ આગચાંપી દીધી હતી. મારો સામાન બળીને ખાખ થયો છે. તે સમયે હું સ્પામાં હતી. તેઓ મોટી-મોટી લાકડીઓ લઈ પીછો કરી રહ્યા હતાં, હુ મહામુસીબતે મારો જીવ બચાવી શકી.’ ઉપાસનાનો આ વીડિયો કારગર સાબિત થયો. અને દૂતાવાસે સતત ટીમનો સંપર્ક સાધી મદદ કરી હતી.

વીડિયો સામે આવતાની સાથે જ, ભારતીય દૂતાવાસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને વૉલીબૉલ ટીમને કાઠમંડુના એક સુરક્ષિત ઘરમાં ખસેડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમના મોટાભાગના સભ્યો પહેલાંથી જ ભારત પરત ફરી ચૂક્યા છે અને બાકીના ખેલાડીઓને પરત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દૂતાવાસ સતત ટીમના તમામ સભ્યો સાથે સંપર્કમાં છે અને તેમની સલામતી પર નજર રાખી રહ્યું છે.

નેપાળમાં હિંસક દેખાવો હજુ પણ ચાલુ

નેપાળની સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યા બાદ મોટી સંખ્યામાં યુવકો-યુવતીઓ દ્વારા  વિરોધ પ્રદર્શન થયા હતા. પરંતુ આ વિરોધ પ્રદર્શનો ટૂંક સમયમાં ભ્રષ્ટાચાર અને નેપોટિઝમ સામે વ્યાપક જન આંદોલનમાં ફેરવાઈ ગયા હતાં. પરિસ્થિતિ એટલી હદે વણસી કે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું. રાજધાની કાઠમંડુથી પોખરા સુધી વિરોધીઓએ સરકારી ઇમારતો અને હોટલોને નિશાન બનાવ્યા હતા. જેના કારણે સામાન્ય લોકો અને પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. સરકાર ઉથલાવ્યા બાદ પણ હિંસક દેખાવો હજુ પણ ચાલુ છે.

ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન

ભારતીય દૂતાવાસે નેપાળમાં ફસાયેલા અન્ય ભારતીયોને મદદ કરવા માટે હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા છે. કાઠમંડુમાં કંટ્રોલ રૂમ સતત સક્રિય છે અને કોઈપણ કટોકટીમાં તાત્કાલિક સહાય પૂરી પાડી રહ્યો છે. દૂતાવાસના આ પ્રયાસથી ફરી એકવાર સાબિત થયું છે કે સરકારની પ્રાથમિકતા સંકટ સમયે વિદેશમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles