


વલસાડ જિલ્લાના પારડી નજીક આવેલા ચીવલ ગામ પાસે નેશનલ હાઈવે પર આજે બપોર બાદ દુર્ઘટના સર્જાઈ હતી. નાનાપોઢા તરફ કામ અર્થે જઈ રહેલા એક વયોવૃદ્ધ બાઈક ચાલક હાઇવે પર આવેલા ખાડામાં બાઈક સાથે ફસાયા હતા. અચાનક સંતુલન ગુમાવતા તેઓ રસ્તા પર પડી ગયા હતા.
પાછળથી આવી રહેલી ટ્રક બાઈક ચાલકને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક મદદરૂપ બનેલા લોકોએ ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે નાનાપોઢાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે તેને દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સ્થળે હાઇવેના ખાડા અંગે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, માર્ગ પર સમયસર મરામતના અભાવે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે. નેશનલ હાઈવે અધિકારીઓએ આ અંગે તાત્કાલિક પગલા લેવા જોઈએ તેવી માગ ઉઠી છે.
