
વલસાડ-ડાંગના લોકસભા સાંસદ શ્રી ધવલભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન દ્વારા “આત્મનિર્ભર ભારત – હર ઘર સ્વદેશી (વોકલ ફોર લોકલ)” અભિયાનની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન અપાયું છે. સાથે જ તેમને ઉત્તર-પૂર્વના ૭ રાજ્યોના પ્રભારી તરીકેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકથી વલસાડ-ડાંગ તેમજ નવસારી જિલ્લાના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ હેઠળ “આત્મનિર્ભર ભારત” અભિયાન શરૂ કરાયું છે, જેમાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન, સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ વધારવા અને નાના-મોટા વેપારીઓને મજબૂત બનાવવા પર ભાર મૂકાયો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના માર્ગદર્શન હેઠળ દિલ્હીમાં યોજાયેલી અગત્યની બેઠક બાદ ધવલભાઈ પટેલની નિમણૂક જાહેર કરાઈ હતી.
સાંસદશ્રી ધવલભાઈ પટેલ યુવા, શિક્ષિત અને સતત લોકસંપર્કમાં રહી કાર્યરત નેતા તરીકે જાણીતા છે. તેમના વિશ્વાસ અને પ્રભાવને ધ્યાને રાખી પાર્ટીએ તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અપનાવાની ઝુંબેશ ચલાવી હતી. એ જ વિચારસરણીને આગળ વધારતા વડાપ્રધાન મોદીએ “હર ઘર સ્વદેશી – વોકલ ફોર લોકલ” અભિયાનને રાષ્ટ્રીય સ્તરે ગતિ આપી છે.
સાંસદશ્રી ધવલભાઈ પટેલ હાલમાં ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે, જ્યાં તેઓ બંને રાજ્યોના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખો અને સંગઠન સાથે બેઠક યોજી રહ્યા છે. બેઠકમાં તેઓ ઉત્તર-પૂર્વમાં સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા, સ્થાનિક ઉદ્યોગોને મજબૂત કરવા અને વિસ્તારના લોકોના આર્થિક વિકાસમાં ફાળો વધારવા અંગે માર્ગદર્શન આપશે.
આ જવાબદારી સાથે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સ્વદેશી ચળવળને નવી ઊંચાઈ મળે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
