


વલસાડ પોલીસ–ચેતક કમાન્ડોના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ અધિકારીઓ સુરક્ષિત મુક્ત
કપરાડા તાલુકાના અંભેટી પાવરગ્રીડ ખાતે આતંકવાદી હુમલાની પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોમાં સુરક્ષા તંત્ર કેટલું સતર્ક છે અને હોસ્ટેજ પરિસ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવે તે અંગે વલસાડ જિલ્લા પોલીસ તથા ગુજરાતની પ્રથમ રિસ્પોન્ડિંગ ટીમ ચેતક કમાન્ડો સાથે સંયુક્ત રીતે મોકડ્રીલ યોજાઈ હતી.
સાંજે પાંચ વાગ્યે ચાર આતંકવાદીઓ કાળી સ્કોર્પિયોમાં આવી પાવરગ્રીડના પ્રવેશદ્વાર પર ફાયરિંગ કરી સિક્યુરિટી ગાર્ડને ગંભીર ઈજાગ્રસ્ત કરી કેમ્પસમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ એડમિન બ્લોકમાં પ્રવેશીને પાવરગ્રીડના ચેરમેન અને બે ડાયરેક્ટરોને બંધક બનાવી લીધા હતા.
તાત્કાલિક કંટ્રોલ રૂમ અને જિલ્લા પોલીસને જાણ કરવામાં આવતા એસઓજી, મરીન ટાસ્ક ફોર્સ તેમજ નાનાપોંઢા પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચેતક કમાન્ડોને પરિસ્થિતિ હવાલે કરવામાં આવી હતી. આતંકવાદીઓએ એક ચોપર, સાબરમતી જેલમાંથી તેમના બે સાથીઓની મુક્તિ અને રૂ.૨૦૦ કરોડની ક્રિપ્ટોકરન્સીની માંગણી મૂકી હતી.
ચેતક કમાન્ડોના ડીવાયએસપી બી.કે. ગુંદાણી અને પીઆઈ એન.ડી પટેલના નેતૃત્વમાં સ્નાઈપર, ઓટોમેટિક રાઇફલ કમાન્ડો અને બીડીડીએસની ટીમે ઝડપભર્યું ઓપરેશન હાથ ધર્યું. જેમાં એક આતંકવાદીને બહાર જ ઠાર કરવામાં આવ્યો અને અંદર ઘૂસીને બાકી ત્રણેય આતંકવાદીઓને કાબૂમાં લઇ ઠાર કરવામાં આવ્યા હતા. તમામ ત્રણ બંધકોને કોઈ જાનહાનિ વિના સુરક્ષિત મુક્ત કરાયા હતા.
આ મોકડ્રીલ દરમિયાન પીઆઈ બી.ડી. મકવાણાની રેડ ટીમે આતંકવાદીઓની ભૂમિકા ભજવી હતી જ્યારે મુખ્ય ઓબઝર્વર તરીકે એનએસજી કમાન્ડોએ આખી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રએ પાવરગ્રીડ વિસ્તારને ગ્રીન કોરિડોર જાહેર કરી પૂરતો પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.
મોકડ્રીલમાં ધરમપુર પ્રંત અધિકારી આર.સી પટેલ, ડીવાયએસપી બી.એન દવે, કપરાડા મામલતદાર હાર્દિક ડોલીયા, એસઓજી પીઆઈ એ.યુ. રોઝ, સ્ટેટ આઈબી પીઆઈ ક.એમ. રાઠોડ, મરીન ટાસ્ક ફોર્સના પીએસઆઈ કે.સી. પટેલ, ડીજીવીસીએલના મુખ્ય ઈજનેર આર.આર. પટેલ, પાવરગ્રીડના જીએમડી દિલિપ કસ્તુરે, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પાર્થ જૈતાલી, ફાયર અને મેડિકલ વિભાગના અધિકારીઓ–કર્મચારીઓ હાજર રહ્યા હતા.
જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
