

વલસાડ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા તથા બક્ષીપંચ સમાજ દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. આવેદનપત્રમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓ.બી.સી. વર્ગને ૨૭ ટકા અનામત સીટ મળે તેવા મુખ્ય માગણી કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીમાંથી ૫૨ ટકા થી વધુ લોકો ઓ.બી.સી. કેટેગરીમાં આવે છે, જેમાં ૧૪૬ જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે જુલાઈ ૨૦૨૨માં ઝવેરી આયોગની રચના કરી હતી અને પંચે જુલાઈ ૨૦૨૩માં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો. તેના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ બેકવર્ડ ક્લાસ તથા પછાત વર્ગ માટે ૨૭ ટકા અનામતની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનામત ૫૦ ટકા કરતા વધુ ન હોવા જોઈએ, જેના આધારે હાલ એસ.ટી.ને ૧૫ ટકા, એસ.સી.ને ૭ ટકા અને ઓ.બી.સી.ને ૨૭ ટકા અનામત આપવામાં આવે છે.
બક્ષીપંચ મોરચાના આગેવાનો દ્વારા જણાવાયું કે વલસાડ જિલ્લાના પંચાયતમાં કુલ ૩૬ સીટમાંથી બક્ષીપંચ સમાજને માત્ર ૪ સીટ અને તાલુકા પંચાયતની ૩૨ સીટમાંથી ૩ સીટ આપવામાં આવી છે. જ્યારે સમાજની વસ્તી પ્રમાણે ૨૭ ટકા અનામત લાગુ પડે તો વધુ સીટ મળવી જોઈએ.
આવેદનપત્ર સુપ્રત કરવા ભાજપ બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ નિલેશભાઈ ભંડારી, જિલ્લા મહામંત્રી આનંદભાઈ પટેલ, ચેતનભાઈ ભંડારી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તથા ઓ.બી.સી. સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આગેવાનો દ્વારા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઓ.બી.સી.ને ૨૭ ટકા અનામતનો અમલ થાય, જેથી પછાત વર્ગોને તેમના હકની ન્યાયસંગત ભાગીદારી મળી રહે.
