
વલસાડ જિલ્લાના તીથલ બીચ પર ભાજપ યુવા મોરચાની આગેવાની હેઠળ “નમો યુવા મેરેથોન”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત સરકારના નાણાં, ઉર્જા તથા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ભારતભરમાં એકસાથે ૭૫ સ્થળોએ યોજાયેલી આ મેરેથોનમાં વલસાડ જિલ્લાને વિશેષ જવાબદારી સોંપાઈ હતી, જેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.
કાર્યક્રમમાં હજારો યુવા, મહિલાઓ અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા. ભાગ લેનાર તમામ દોડવીરોને ટી-શર્ટ, મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. ટ્રાયમ ફાઉન્ડેશન, રોટરી ક્લબ ઓફ વલસાડ, વલસાડ રેસર્સ ગ્રુપ, સંડે સ્પોર્ટ્સ કલબ સહિતની અનેક સંસ્થાઓએ મેરેથોનને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ ભરતભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. અંતે વિજેતા દોડવીરોને કનુભાઈ દેસાઈ અને જિલ્લા નેતાઓના હસ્તે મેડલ-સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
વલસાડના તીથલ બીચ પર યોજાયેલી આ મેરેથોન યુવાનોમાં “નશામુક્ત ભારત”નો સંદેશ પ્રસરીને સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
