
ખેરગામ : પિતૃપક્ષના પવિત્ર અવસર પર ખેરગામ નાં નાંધઈ ગામના વેદાશ્રમ ખાતે ઔરંગા નદીના કિનારે સામૂહિક નારાયણબલિ શ્રાધ્ધ વિધિનો 56મો વર્ષ નિર્વિઘ્ને અને ભવ્યતા સાથે પૂર્ણ થયો. અર્પણ, તર્પણ અને સમર્પણના સદ્દભાવ સાથે યોજાયેલી આ અનોખી વિધિમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ પ્રસંગે પ્રસિદ્ધ જ્યોતિષ તથા કર્મકાંડ આચાર્ય શ્રી શૈલેષભાઈ રાજ્યગુરૂએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પિતૃ તર્પણની વિધિ કરાવી હતી. તેમણે પોતાના આશિર્વચન માં જણાવ્યું કે “પિતૃપક્ષમાં શ્રદ્ધાથી કરાયેલું શ્રાધ્ધ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ પિતૃઋણ ચૂકવવાનો પવિત્ર અવસર છે. શ્રાધ્ધથી આયુષ્ય, આરોગ્ય, સંતતિ અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. પિતૃઓને સદ્દગતિ અને આત્મકલ્યાણ માટે શ્રાધ્ધનું મહત્ત્વ અદ્વિતીય છે.”
શ્રાધ્ધ વિધિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ ભાવપૂર્વક તર્પણ વિધિ સંપન્ન કરી અને પોતાના પિતૃઓના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમ બાદ ભક્તિભાવથી ભરેલા વાતાવરણમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 56 વર્ષથી આ પરંપરા સતત ચાલી રહી છે, જે સ્થાનિક સમાજની ધાર્મિક એકતા અને સંસ્કાર પરંપરાનું જીવંત પ્રતિક બની રહી છે.
આ ભવ્ય આયોજનની પાછળના આયોજકોમાં શ્રી ધીરુભાઈ બાબુભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ નગીનભાઈ પટેલ, રામુભાઈ પાતાળભાઈ પટેલ, નટુભાઈ છગનભાઈ પટેલ, નટુભાઈ વેલજીભાઈ પટેલ, ચંદ્રકાંત બહાદુરભાઈ પટેલ, રાયસિંગભાઈ જગાભાઈ પટેલ, ભરત ચૌધરી અને નિરંજન ચૌધરી જેવા સેવાભાવી વ્યક્તિઓ વર્ષો થી કાર્યરત છે. તેમની નિસ્વાર્થ સેવાભાવના કારણે જ આ આયોજન સતત અડધી સદીથી વધુ સમયથી વિઘ્ન વિના સફળતા મેળવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી નાંધઈના આ પવિત્ર તીર્થસ્થળે સામૂહિક નારાયણબલિ શ્રાધ્ધ યોજાતું આવ્યું છે. દર વર્ષે અહીં અનેક ગામડાંઓમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને વિધિનો લાભ લે છે. ભક્તોની હાજરી અને વિશ્વાસ દર્શાવે છે કે પિતૃશ્રાધ્ધની આ પરંપરા આજે પણ એટલી જ જીવંત અને શ્રદ્ધાપૂર્વક નિભાવાઈ રહી છે.
આ વર્ષે પણ હજારો ભક્તોએ આ શ્રદ્ધાસભર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું આખું વાતાવરણ પવિત્રતા, ભક્તિ અને સંસ્કારોથી ઓતપ્રોત બની ગયું હતું. નદીના કિનારે ગુંજતા વૈદિક મંત્રોચ્ચાર, ભક્તોની શ્રદ્ધા અને પ્રસાદ વિતરણના પવિત્ર દ્રશ્યોને જોઈ સૌએ અનુભવ્યું કે પિતૃપક્ષ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને કુટુંબ સંસ્કારોને જોડતો અખંડ સાંસ્કૃતિક ઉત્સવ છે.
