ધરમપુર તાલુકાના જામલીયા ગામે વિશ્વ શાંતિ દિવસની ભવ્ય ઉજવણી

ધરમપુર તાલુકાના અંતરિયાળ જામલીયા ગામે આવેલ સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે ભાવસભર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન રાજ વિદ્યાકેન્દ્ર સુરત, શ્રમ આશ્રમ જામલીયા તથા સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્રાલય મુરદડ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત સવારે 9:30 કલાકે શ્રમ આશ્રમથી એક શાંતિ રેલી સાથે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો તથા ગામલોકોએ ભાગ લીધો હતો. ગામના રસ્તાઓ પર શાંતિના નારા સાથે ગુંજતા આ કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં શાંતિ અને એકતાનો સંદેશ પ્રસરી ગયો હતો.

મુખ્‍ય કાર્યક્રમ શાળાના સભાખંડમાં યોજાયો હતો. ઉદ્ઘાટન પ્રસંગે ગામના સરપંચ અરુણાબેન આર. સુરકાર, એડવોકેટ અને મોટીવેશનલ સ્પીકર પ્રકાશ ડાભી (ભાવનગર) તથા અન્ય આગેવાનો દ્વારા દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું. આચાર્ય વિમલભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની પૃષ્ઠભૂમિ પર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ આગંતુક મહેમાનોને શાંતિ સંદેશ પુસ્તક આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્રાલયના સ્થાપક શિક્ષક નિલેશભાઈ નિકુળિયા દ્વારા કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન સાવિત્રીબાઈ ફૂલે છાત્રાલયની દીકરીઓએ શાંતિ પ્રાર્થના કરી, જેના કારણે સભાખંડમાં આધ્યાત્મિક અને શાંતિમય માહોલ છવાઈ ગયો હતો. આ અવસરે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ શાંતિ દૂત પ્રેમ રાવતજી ના પ્રેરણાત્મક સંદેશનું પ્રસારણ LED સ્ક્રીન મારફતે કરવામાં આવ્યું. તેમના સંદેશે હાજર દરેકના હૃદયમાં માનવતા અને શાંતિનું મહત્વ ઊંડે સુધી પ્રત્યાઘાત કરાવ્યું.

સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ રહ્યા. શ્રમ આશ્રમ અને અનાથ છાત્રાલયના વિદ્યાર્થીઓએ આદિવાસી લોક નૃત્ય અને ડાંગી નૃત્ય રજૂ કરી પોતાની સંસ્કૃતિ અને પરંપરાનો ગૌરવસભર પરિચય આપ્યો હતો.

આગંતુક અધ્યક્ષશ્રી પ્રકાશ ડાભીએ પોતાના પ્રવચનમાં યુવાનો અને વિદ્યાર્થીઓને જીવનમાં સંઘર્ષ વચ્ચે શાંતિપૂર્ણ રીતે આગળ વધવા, કારકિર્દી ઘડવા અને આધુનિક ભાગદોડભરી જિંદગીમાં સંતુલન સાધવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમનાં વિચારો વિદ્યાર્થીઓ તથા ગામલોકો માટે પ્રેરણાનું ઝરણું સાબિત થયા હતા.

કાર્યક્રમના અંતે સાવિત્રીબાઈ ફૂલે આશ્રમની સંચાલિકા હિનાબેન નિકુળિયાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. શાંતિ, સંસ્કૃતિ અને માર્ગદર્શનનો આ ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમ અંતે સહભોજન સાથે પૂર્ણ થયો હતો.

જામલીયા ગામે યોજાયેલી આ વિશ્વ શાંતિ દિવસની ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ એક સંદેશ હતી – કે માનવજાત માટે શાંતિ, એકતા અને માનવ મૂલ્યો સર્વોપરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles