
નવસારી જિલ્લામાં ખેરગામ જગદમ્બા ધામ ખાતે ચાલી રહેલી પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. પ્રફુલભાઈ શુક્લની દેવી ભાગવત કથાનો ત્રીજો દિવસ ધાર્મિક ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આજે કથામાં માતાજીના સ્કંધમાતા સ્વરૂપનું વિવરણ કરવામાં આવ્યું હતું. કથાકાર પ્રફુલભાઈ શુક્લે શ્રોતાઓને સંબોધતા જણાવ્યું કે “અખિલ બ્રહ્માંડની અધિસ્થાત્રી અંબા છે. જગતની નિયંત્રી માતાજી જ છે. એમની કૃપાથી જ જગતનો સુચારુ સંચાલન થાય છે.”
આ અવસર પર અમેરિકામાંથી ભારતીબેન ડિમ્પલભાઈ પટેલના ટેલિફોનિક સંકલ્પથી નવ ચંડી યજ્ઞનું આયોજન થયું હતું. આ યજ્ઞમાં બિનવાડા જલારામ ધામના રમણભાઈ ભગતજી, ગામના સરપંચ કુસુમબેન પટેલ, ભેરવી ભવાની મંડળના બિપીનભાઈ પટેલ, બચુભાઈ પટેલ, જેસીંગભાઈ સહિત અનેક શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ અર્પી હતી. ઉપરાંત ગાયત્રી પરિવાર સુરતની દક્ષાબેન મિસ્ત્રી, હસાબેન પટેલ, સેજલબેન કૂદીયાના, અશ્વિભાઈ પટેલ કુકણી અને રાજપુરોહિતએ પણ યજ્ઞમાં ભાગ લીધો હતો.
યજ્ઞવિધિ દરમિયાન કિશન દવે, અંકુર શુક્લ અને બિપીનભાઈ રાજ્યગુરુએ વૈદિક મંત્રોચ્ચારણા કરી ધાર્મિક માહોલને વધુ પાવન બનાવ્યો હતો. કથાના શ્રોતાઓએ ભક્તિભેર માતાજીના સ્તવન સાથે આરતી ઉતારી અને ધામમાં ગુંજતા જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
કથાના આયોજકો તરફથી જણાવાયું કે ગુરુવારે જગદમ્બા પ્રાગટ્ય ઉત્સવનો ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મોતાંના તારાચંદ બાપુના આશીર્વાદથી ૧૦૮ બહેનોને સાડી વિતરણ કરવામાં આવશે. કથા શ્રવણ માટે દરરોજ સૈંકડો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આધ્યાત્મિક લાભ લઈ રહ્યા છે.
