ખેરગામ જગદંબાધામમાં નવરાત્રીની ભક્તિભર્યો મહોત્સવ : પ્રફુલભાઇ શુક્લની 885મી દેવીભાગવત કથામાં નવદુર્ગા વર્ણન, નવચંડી યજ્ઞ, 108 દીવડા આરતી અને મહાપ્રસાદનો આયોજિત કાર્યક્રમ

વલસાડ જિલ્લામાં સ્થિત ખેરગામ જગદંબાધામ ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લની 885મી દેવીભાગવત કથા માં આજે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પાવન પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસરમાં ભક્તિભાવ, વેદમંત્રો અને માતાજીના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આજે કથામાં પ્રફુલભાઈ શુક્લે મહિષાસુર વધના પ્રસંગ સાથે નવખંડ ધરતી પર પ્રસિદ્ધ નવદુર્ગાનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે શ્રોતાઓને સમજાવ્યું કે નવરાત્રી માત્ર ઉત્સવ નહીં પરંતુ એ આધ્યાત્મિક શક્તિ, ધૈર્ય અને ભક્તિનો મહાપર્વ છે. નવદુર્ગાના પ્રાગટ્ય પ્રસંગો તથા તેમની દિવ્ય લિલાઓનું સ્મરણ કરાવતા શ્રોતાઓમાં અનોખી શ્રદ્ધા અને ઉલ્લાસ છવાઈ ગયો હતો.

આ પ્રસંગે તળાજા તાલુકાના બેલા ગામના ધર્મેશભાઈ વઘાસીયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં વિધિપૂર્વક હવન કરવામાં આવ્યું, જેમાં હનુમાન ફળીયા ભેરવીના દયારામભાઈ, પીન્ટુભાઈ પટેલ અને લીલાબેન પટેલે આહુતિ આપી હતી. આચાર્ય કિશનભાઈ દવે અને અંકુરભાઈ શુક્લે વિશ્વદેવ હવન કરાવ્યું હતું. યજ્ઞસ્થળે ભક્તોએ માતાજીના ચરણોમાં ભક્તિભાવે નમન કર્યું.

કાર્યક્રમમાં સઁગીતકાર હરેશભાઈ જાનીના વાયોલિન વાદન અને વત્સલભાઈ પટેલના ગરબા સૂરોએ શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા. કથાસ્થળે ગૂંજી ઉઠેલા ભક્તિગીતો અને રમઝટિયાં ગરબાઓએ નવરાત્રીના પાવન પર્વમાં ઉમંગ અને આનંદનો રંગ ભરી દીધો હતો. બિપીનભાઈ પટેલ અને પ્રતીક પટેલે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.

સાંજના સમારોહનો મુખ્ય આકર્ષણ 108 દીવડા ની મહા આરતી રહ્યું હતું. દીપજ્યોતના તેજ સાથે જગદંબાધામનું આખું પરિસર દિવ્ય પ્રકાશમાં ઝળહળી ઉઠ્યું. ભક્તોએ માતાજીના ચરણોમાં દીપ પ્રગટાવી અનોખો આધ્યાત્મિક અનુભવ કર્યો. આરતી બાદ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આગામી દિવસોમાં પણ ભક્તો માટે વિશેષ કાર્યક્રમોની રચના કરવામાં આવી છે. મંગળવારે કથામાં મહાકાળી પ્રાગટ્ય ઉત્સવ ભવ્ય રીતે ઉજવાશે, જેમાં આહવા-ડાંગના અંબાપાડા બાપાસીતારામ પરિવાર વિશેષ સહભાગી બનશે.

ખેરગામ જગદંબાધામમાં ચાલી રહેલી આ કથા અને નવરાત્રી મહોત્સવમાં દરરોજ હજારો ભક્તો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદની પ્રાપ્તિ કરી રહ્યા છે. ભક્તિ, જ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે સાંસ્કૃતિક પરંપરાનો સંગમ બનતા આ કાર્યક્રમો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles