ભંડારકચ્છ પ્રાથમિક શાળાના શિક્ષક પરભુભાઈ પટેલનું નિવૃત્તિ સન્માન સમારંભ

વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકા ભંડારકચ્છ પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષક પરભુભાઈ પટેલના સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગામના સરપંચ ગંગાભાઈ ગાવીતે સંભાળ્યું હતું.

સમારંભના આરંભે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેના માધ્યમથી શિક્ષક પ્રત્યે આદરની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. બાદમાં આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમારંભની વિધિવત શરૂઆત કરવામાં આવી.

શિક્ષક સંઘના પૂર્વ અધ્યક્ષ બાલુભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “શિક્ષક સમાજ માટે પથદર્શક હોય છે. શિક્ષક જીવનભર પોતાના જ્ઞાન અને મૂલ્યો દ્વારા પેઢી ઘડવાનો પવિત્ર કાર્ય કરે છે. સેવા સમાપ્ત થયા બાદ એવા નિષ્ઠાવાન શિક્ષકનું સન્માન કરવું એ સમાજનું ઋણ ચૂકવવા જેવું છે.” તેમણે ઉમેર્યું કે શિક્ષણ ક્ષેત્રે સમર્પણભાવ સાથે સેવા આપવી એ જ સાચો ધર્મ છે.

નિવૃત્ત શિક્ષક પરભુભાઈ પટેલ વિશે ઉપસ્થિત શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો તેમજ અગ્રણી આગેવાનો દ્વારા ભાવભર્યા અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવ્યા હતા. સૌએ એકસ્વરે જણાવ્યું કે તેઓ પોતાના શૈક્ષણિક જીવન દરમિયાન ઉત્સાહી, નિષ્ઠાવાન અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપનારા શિક્ષક તરીકે ઓળખાયા હતા. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમણે સતત પ્રયત્નો કર્યા હતા.

માત્ર શૈક્ષણિક ક્ષેત્ર પૂરતું જ નહિ પરંતુ સામાજિક અને ધાર્મિક કાર્યોમાં પણ પરભુભાઈ પટેલ સક્રિય રહ્યા હતા. ગામના વિકાસકાર્યો, સમાજમાં માનવીય સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો તથા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમની ઉપસ્થિતિ રહી છે. તેમના આ સર્વગુણી વ્યક્તિત્વને કારણે તેઓ ગામજનો માટે પ્રેરણાસ્રોત બની રહ્યા છે.

સુખાલા ગામના ગ્રામજનોએ પરભુભાઈ પટેલને વિશેષ સન્માન અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નિવૃત્ત શિક્ષકો અને આગેવાનો દ્વારા પણ તેમને જીવનના નવા અધ્યાય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે નિવૃત્ત શિક્ષક પરભુભાઈ પટેલે પોતાના ભાવભીનાં શબ્દોમાં કહ્યું કે, “શિક્ષક તરીકેનો મારો સફર વિદ્યાર્થીઓના પ્રેમ, સહયોગી શિક્ષકોના સાથ અને ગામજનોના આશીર્વાદથી યાદગાર રહ્યો છે. આ સન્માન મારું નહિ પરંતુ સમગ્ર શિક્ષકવર્ગનું છે.” સાથે જ તેમણે ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, અગ્રણી આગેવાનો, ગ્રામજન તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌની ઉપસ્થિતિથી સમારંભને યાદગાર અને સફળ બનાવાયો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles