
વલસાડ જિલ્લાના નાનાપોઢા સુખાલાના આદિવાસી શિક્ષિત યુવા ખેડૂતે પોલીહાઉસ સ્ટ્રકચર સહિત ૩ યોજનામાં રૂ. ૪૯ લાખની સબસિડીનો લાભ લઈ ખોલ્યા આર્થિક સમૃધ્ધિના દ્વાર
ચાલુ સિઝનમાં મહિને રૂ. એક થી દોઢ લાખ અને ઓફ સિઝનમાં મહિને રૂ. ૬૦ થી ૭૦ હજાર સુધીની આવક મેળવી યુવા ખેડૂત બન્યા આત્મનિર્ભર
રાજ્ય સરકાર દ્વારા આટલી માતબર રકમની સહાય મળી ન હોત તો મારા માટે આ ખેતી અશક્ય હતીઃ યુવા ખેડૂત હાર્દિક પટેલ
એક વાર ઓર્કિટના પલાન્ટ રોપ્યા બાદ ૧૦ વર્ષ સુધી તેનું આયુષ્ય હોવાથી ખેડૂતને આવકની ચિંતા રહેતી નથી
આલેખનઃ જિજ્ઞેશ સોલંકી

પૃથ્વી ઉપર સર્વ જીવનો આધાર એક માત્ર કૃષિ છે. બદલાતા જતા સમયની સાથે કૃષિમાં પણ અનેક પરિવર્તન આવતા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દુરંદેશી નેતૃત્વમાં પરંપરાગત કૃષિ સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરી ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જેનાથી પ્રેરાઈને અનેક શિક્ષિત યુવાનો પણ ખેતી તરફ વળી સરકારની કલ્યાણકારી કૃષિ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિના દ્વાર ખોલી રહ્યા છે. જે પૈકી એક શિક્ષિત યુવા ખેડૂત છે વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા કપરાડા તાલુકાના સુખાલા ગામના યુવા ખેડૂત હાર્દિકભાઈ પટેલ. તેમણે બાગાયત વિભાગની પોલીહાઉસ સ્ટ્રકચર યોજના સહિત કુલ ૩ યોજના અંતર્ગત પાંચ-દશ લાખ નહીં પરંતુ રૂ. ૪૯ લાખની માતબર રકમની સબસિડીનો લાભ લઈ ઓર્કિટના ફૂલની ખેતી કરી આર્થિક સમૃધ્ધિના દ્વાર ખોલ્યા છે. જે હકીકતમાં રાજ્ય સરકારની કૃષિ કલ્યાણકારી યોજનાનો બેનમૂન નમૂનો કહી શકાય.
બદલાતા જતા સમયની સાથે વૈશ્વિક લેવલે કૃષિમાં અનેક પરિવર્તન આવ્યા છે. ગામડાના યુવા ખેડૂતો પણ હવે વૈશ્વિક કક્ષાએ કદમ મેળવી વિદેશમાં થતી ખેતીને પોતાના ઘર આંગણે લઈ આવી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરી રહ્યા છે. જેનું જીવંત ઉદાહરણ હાર્દિકભાઈ પટેલ પુરૂ પાડી રહ્યા છે. બી.એ. ની ડિગ્રી મેળવ્યા બાદ હાર્દિકભાઈએ અન્ય યુવાનોની જેમ નોકરી કરવાને બદલે ખેતીને જ પોતાનો ધર્મ માની પોતાની ઉજ્જવળ કારર્કિદીના ઘડતર માટે ચણતર કરવાનું શરૂ કર્યુ હતું. જેની શરૂઆત તેમણે ઓર્કિટના ફૂલની ખેતી દ્વારા કરી હતી. ચાલુ સિઝનમાં તેઓ મહિને રૂ. એકથી દોઢ લાખ અને ઓફ સિઝનમાં મહિને રૂ. ૬૦ થી ૭૦ હજાર સુધીની આવક કમાઈ રહ્યા છે. તો આવો જાણીએ તેમની સફળતા કહાની.
યુવા પ્રગતિશીલ ખેડૂત હાર્દિક પટેલ જણાવે છે કે, ભરૂચના હાંસોટ ખાતે રાજ્ય સરકારના માજી મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલને ત્યાં ઓર્કિટના ફૂલની ખેતીના ફાર્મ નિહાળ્યા હતા. ત્યારબાદ અને સ્થળોએ જઈ મનમોહક એવા ઓર્કિટના ફૂલની ખેતીની માહિતી મેળવી હતી. જેમાં ખર્ચ વધુ થતો હોવાનું જાણવા મળ્યું હતું. શરૂઆતના તબક્કામાં લાખોની રકમનું રોકાણ કરવું મારા માટે શક્ય ન હતું. જેથી હું વલસાડ જિલ્લા બાગાયત ખાતાની કચેરીમાં સરકારની યોજનાની માહિતી મેળવવા માટે ગયો હતો. મારી એક એકર જમીન પર ઓર્કિટના ફૂલની ખેતી માટે કુલ કોસ્ટ રૂ. ૭૫ લાખ થતી હતી. હું અનુસૂચિત જનજાતિ (એસટી) લાભાર્થી હોવાથી મને ૭૫ ટકા સુધી સબસિડી રાજ્ય સરકાર દ્વારા મળતી હોવાનું જણાવતા મારામાં હિંમત આવી અને અરજી સહિતના ડોક્યુટમેન્ટો સબમીટ કર્યા હતા. મારી અરજી મંજૂર થતા કુલ ખર્ચના રૂ. ૭૫ લાખમાંથી મને રૂ. ૪૯ લાખની સબસિડી મળી હતી. ત્યારબાદ પુનાથી ઓર્કિટના ૪૦૦૦૦ પ્લાન્ટ મંગાવ્યા હતા. એક પ્લાન્ટની કિંમત રૂ. ૫૫ થી ૬૦ સુધી હોય છે.
ઓર્કિટની ખેતી કરવા અંગે હાર્દિકભાઈ વધુમાં કહે છે કે, આજના સમયમાં ખેતી કામમાં મજૂરોની સંખ્યા ઘટી રહી છે. જ્યારે ઓર્કિટની ખેતીમાં ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ થવાથી ઓછા મજૂરે પણ આ ખેતી થઈ શકે છે. આ ખેતીને માટી (જમીન) સાથે લેવાદેવા નથી કારણ કે, નાળિયેરની છાલનો ઉપયોગ થતો હોવાથી બેકટેરીયા અને ફંગસ પણ ઓછી લાગે છે. તાપમાન પણ કંટ્રોલ કરી શકાય છે. બીજી મહત્વની વાત કે, આ ખેતીમાં શુધ્ધ આરઓ વોટરનો ઉપયોગ કરવાનો હોય છે જેથી ટીડીએસનું લેવલ ૫૦ થી ૧૫૦ વચ્ચે જાળવી રખાય છે. સાદા પાણીમાં ટીડીએસનું પ્રમાણ ૩૦૦ થી ૪૦૦ હોય છે જે નુકસાનકારક છે. જેથી આરઓ વોટર માટે ખેતરમાં જ ૩૦૦૦ લીટરનો પ્લાન્ટ નાંખ્યો છે. એક રીતે જોઈએ તો, આ ખેતી ઓછી મહેનતે વધુ આવક આપે છે.
ઈવેન્ટ અને ડેકોરેશનમાં આકર્ષણરૂપ ગણાતા ઓર્કિટના ફૂલની નિકાસ અંગે હાર્દિકભાઈ કહે છે કે, વિદેશમાં સિંગાપોર, દુબઈ, થાઈલેન્ડ અને યુએસએની ધરતી પર થતા આ ફૂલની ડિમાન્ડ વૈશ્વિક સ્તરે છે. મારા ખેતરમાં જે ફૂલ થાય છે તે મુંબઈ, સુરત અને સ્થાનિક કક્ષાએ ભારે ડિમાન્ડ હોવાથી વેચાઈ જાય છે. ઓર્કિટના ફૂલની એક ડાળીની કિંમત રૂ. ૩૫ થી ૪૦ હોય છે, જો એનો બુકે બનાવવામાં આવે તો રૂ. ૫૫૦ થી ૬૦૦ સુધી અને સફેદ કલરના ઓર્કિટ ફૂલનો બુકે રૂ. ૬૦૦ થી ૬૫૦ માં વેચાય છે. ઓર્કિટના ફૂલની ડિમાન્ડ એટલા માટે વધુ હોય છે કે, તે આકર્ષક તો હોય જ છે પરંતુ તેનું આયુષ્ય અન્ય ફૂલ કરતા વધુ હોય છે. ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી તે જીવંત રહે છે. આ પ્લાન્ટનો ઉછેર કર્યા બાદ દોઢ વર્ષમાં પ્રોડકશન શરૂ થાય છે. એક વાર પ્લાન્ટ રોપ્યા બાદ ૧૦ વર્ષ સુધી તેનું આયુષ્ય હોવાથી આવકની ચિંતા રહેતી નથી.
પ્રગતિશીલ ખેડૂત હાર્દિકભાઈ વધુમાં ઉમેરે છે કે, ખેતી ક્ષેત્રે મારા જીવનના આ પ્રથમ સાહસમાં રાજ્ય સરકારે મને સ્ટ્રકચર સહાય, પ્લાન્ટીંગ મટીરીયલ સહાય, કોકો સેલ(નાળિયેરની છાલ) અને પેકિંગ હાઉસ માટે સહાય આપતા હું આર્થિક રીતે સક્ષમ બન્યો છું. જે બદલ હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરૂ છું સાથે જ અન્ય યુવાનોને પણ સરકારની અનેક કલ્યાણકારી યોજનાનો લાભ લઈ આર્થિક રીતે આત્મનિર્ભર બનવા અનુરોધ કરુ છું.
આમ, એક શિક્ષિત યુવાન આધુનિક વ્યવસાયના દ્રષ્ટીકોણથી ટેકનોલોજીના ઉપયોગ સાથે ખેતી દ્વારા કેવી રીતે વધુ સક્ષમ અને સમૃધ્ધ બની શકે છે તેનું ઉદાહરણ છે હાર્દિકભાઈ. રાજ્ય સરકાર પણ આવા સાહસી યુવા ખેડૂતોના સર્વાંગી વિકાસની નેમ સાથે તેઓને બળ પુરુ પાડી ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહ્યા છે.
બોક્ષ મેટર
રૂ. ૭૫ લાખની પ્રોજેક્ટ કોસ્ટ સામે રાજ્ય સરકારે રૂ. ૪૯ લાખની સબસિડી આપીઃ નાયબ બાગાયત નિયામકશ્રી
વલસાડ જિલ્લા બાગાયત વિભાગના નાયબ બાગાયત નિયામકશ્રી નિકુંજભાઈ પટેલ જણાવે છે કે, યુવા ખેડૂત હાર્દિક પટેલ અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોવાથી રાજ્ય સરકારના બાગાયત વિભાગની પોલીહાઉસ સ્ટ્રકચર યોજના, પ્લાન્ટીંગ મટીરીયલ સહાય યોજના અને સોઈલ લેશ કલચર યોજના હેઠળ કુલ ૭૫ લાખના પ્રોજેક્ટ કોસ્ટ સામે તેમને કુલ રૂ. ૪૯ લાખની સબસિડીનો લાભ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સહાયથી તેઓ સમૃધ્ધ ખેતી કરી સ્વનિર્ભર બન્યા છે.
