
વલસાડ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરનાર સ્ટેપ એકેડેમી, છેલ્લા પાંચ વર્ષથી સતત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત માર્ગદર્શન પૂરું પાડતી આવી છે. એકેડેમીની સ્થાપના પૂર્ણ થતા પાંચ વર્ષની ઉજવણીના અવસરે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં અત્યાર સુધી એકેડેમીમાંથી અભ્યાસ કરી ચૂકેલા અનેક વિદ્યાર્થીઓ આજે મેડિકલ, ફાર્મસી, આઇઆઈટી, એસવીએનઆઇટી તેમજ એરોનોટિકલ જેવા પ્રતિષ્ઠિત ક્ષેત્રોમાં પોતાનું ભવિષ્ય ઘડી રહ્યા છે.
આ વિશેષ પ્રસંગે એકેડેમીના સંચાલકશ્રી નીતિન દેસાઈ અને કે.કે. શર્માના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ, શિલ્ડ, સન્માનપત્ર તેમજ ભરેલી સંપૂર્ણ ફીની ચેક પરત કરી સન્માનિત કરવામાં આવ્યા. આ અનોખી પ્રથા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પ્રોત્સાહન જ નહીં પરંતુ તેમના માતા-પિતાના આર્થિક ભારને હળવો કરવાની દિશામાં એકેડેમીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.
કાર્યક્રમ દરમ્યાન ગોઈમા ગામના કોળી સમાજના આચાર્ય દંપતી શૈલેશકુમાર આર. પટેલ (પ્રિન્સીપાલ, નાનીવહીયાળ હાઈસ્કૂલ) અને તેમની પત્ની સીમાબેન પટેલ (પ્રિન્સીપાલ, નાનચંદ ફ. ડુમલાવ પ્રાથમિક શાળા)ની દિકરી જાનવી શૈલેશકુમાર પટેલને વિશેષ સન્માન અપાયું. જાનવીએ પોતાની પ્રતિભા અને મહેનતથી વલસાડ જિલ્લાના નામે ગૌરવ લાવ્યું છે.
જાનવીએ જવાહર નવોદય વિદ્યાલય, વલસાડમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 94% મેળવીને જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું. ત્યારબાદ 2024ની CBSE બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 91% મેળવ્યા. માત્ર એટલું જ નહીં, તેણે ગુજસેટ પરીક્ષામાં 87.45 પર્સેન્ટાઇલ અને JEE-Mainમાં 86.6 પર્સેન્ટાઇલ મેળવીને પોતાની પ્રતિભાને સાબિત કરી. હાલ જાનવી સુરત સ્થિત S&S Gandhi સરકારી કોલેજમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી છે.

સ્ટેપ એકેડેમીએ જાનવીને તેની ઉત્તમ સિદ્ધિઓ બદલ રૂ. 1,10,000 (એક લાખ દસ હજાર)ની ભરેલી સંપૂર્ણ ફીની ચેક પરત આપીને સાથે સન્માનપત્ર અને શિલ્ડથી સન્માનિત કરી. આ સન્માન માત્ર જાનવી માટે જ નહીં પરંતુ સમગ્ર કોળી સમાજ તેમજ ગોઈમા ગામ માટે ગૌરવનો ક્ષણ બની રહ્યો.
આ અવસરે જાનવીના માતા-પિતા તથા પરિવારજનોમાં આનંદની લાગણી છલકાઈ રહી હતી. તેઓએ જણાવ્યું કે દીકરીએ મહેનત, સંકલ્પ અને આત્મવિશ્વાસના આધારે પ્રાપ્ત કરેલી સિદ્ધિએ તેમના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. દીકરીને આટલા સન્માન સાથે પ્રોત્સાહન આપવા બદલ સ્ટેપ એકેડેમી પ્રત્યે તેમણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
જાનવીનું આ સફળતામય યાત્રા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે. સ્ટેપ એકેડેમી જેવા સંસ્થાઓ શિક્ષણક્ષેત્રે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહી, તેનાથી સમાજના યુવાનોને ભવિષ્યમાં અનેક ઊંચાઈઓ સર કરવા માર્ગદર્શક મળી રહેશે.
ગોઈમા ગામના આચાર્ય દંપતીની દિકરી જાનવી શૈલેશકુમાર પટેલનું આ સન્માન એ સાબિત કરે છે કે મહેનત, પ્રતિભા અને યોગ્ય માર્ગદર્શનથી કોઈપણ વિદ્યાર્થી સફળતાના શિખરો સર કરી શકે છે.
