
ભુજ એ.સી.બી.ની ટીમે કચ્છ જિલ્લામાં લાંચખોરી સામે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. રવાપર પી.જી.વી.સી.એલ. કચેરીમાં કાર્યરત જુનિયર ઇજનેર વર્ગ-૦૨ હરેશકુમાર નારાણભાઇ બોખાણી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.
મળતી વિગતો મુજબ, નખત્રાણા તાલુકાના વિગોડી ગામના એક જાગૃત નાગરિકે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, આરોપી જુનિયર ઇજનેરે તેમના મકાનનું મીટર ચેક કરી “લોડ વધારાનો મોટો દંડ નહીં કરવા”ના બહાને રૂ. 13,000/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ફરીયાદીને આ લાંચ આપવી નહોતી, જેથી તેમણે ભુજ એ.સી.બી.નો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી.
ફરીયાદના આધારે એ.સી.બી.ની ટીમે ટ્રેપ ગોઠવ્યો. તા. 26/09/2025ના રોજ આરોપી ફરીયાદીશ્રીના ઘરે પહોંચ્યો અને હેતુલક્ષી વાતચીત કરીને રૂ. 13,000/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી. લાંચ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો. આરોપી પાસેથી લાંચની સંપૂર્ણ રકમ રૂ. 13,000/- સાબિત પુરાવા સાથે જપ્ત કરવામાં આવી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ.એસ. ચૌધરી તથા ભુજ એ.સી.બી. પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા હાથ ધરાઈ હતી. સમગ્ર ઓપરેશનની સુપરવિઝન મદદનીશ નિયામક શ્રી કે.એચ. ગોહિલ, એ.સી.બી. બોર્ડર એકમ ભુજ દ્વારા કરવામાં આવી.
આ ટ્રેપથી કચ્છ જિલ્લામાં લાંચખોરીના કિસ્સાઓ સામે એ.સી.બી.ની ચુસ્ત કામગીરી ફરી એકવાર સાબિત થઈ છે. નાગરિકોએ પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ગેરકાયદેસર લાંચની માંગણી થાય ત્યારે તાત્કાલિક એ.સી.બી.નો સંપર્ક કરી કાયદાકીય મદદ લેવી.
