
પ્રખ્યાત કોમેડિયન કલાકાર કપિલ શર્માને ચેતવણી મળી છે. મનસે (MNS) એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણના નેતા અમય ખોપકરે મુંબઈને બોમ્બે કહેવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક વીડિયો શેર કરીને આ ચેતવણી આપી છે. વીડિયોમાં અભિનેત્રી હુમા કુરેશી શો દરમિયાન મુંબઈને બોમ્બે કહેતી જોવા મળે છે. જો કે, મનસે નેતા ખોપકરે બોલિવૂડ અને રાજકીય હસ્તીઓનો ઉલ્લેખ કર્યો, પરંતુ તેમણે કોઈનું નામ લીધું ન હતું.
રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સિનેમા વિંગના પ્રમુખ અમય ખોપકરે ધ કપિલ શર્મા શોમાં ‘મુંબઈ’ને બદલે બોમ્બે શબ્દનો ઉપયોગ સામે આપત્તિ વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, “બોમ્બેનું સત્તાવાર નામ બદલીને મુંબઈ કરવામાં આવ્યાના 30 વર્ષ પછી પણ ધ કપિલ શર્મા શોમાં સેલિબ્રિટી મહેમાનો, દિલ્હીના રાજ્યસભા સાંસદો, શોના એન્કર અને ઘણી હિન્દી ફિલ્મોમાં બોમ્બે શબ્દનો ઉપયોગ થતો રહે છે. 1995માં મહારાષ્ટ્ર સરકાર અને 1996માં કેન્દ્ર સરકારની સત્તાવાર મંજૂરી પછી પણ.”