
એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાને ભલે ટ્રોફી ન મળી પરંતુ હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ખરેખર, ACC પ્રમુખ અને PCB ચેરમેન મોહસીન નકવી પર એશિયા કપની વિજેતા ટ્રોફી અને મેડલ તેમના હોટલના રૂમમાં લઈ જવાનો આરોપ લાગ્યો છે. BCCI તેની સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે ટ્રોફી ભારત મોકલવામાં આવે કે કારણ કે વિજેતા ટીમ તેની હકદાર છે.
તિલકની શાનદાર બેટિંગના જોરે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન
તિલક વર્માની શાનદાર અડધી સદી અને કુલદીપ યાદવની બોલિંગને કારણે ટીમ ઇન્ડિયાએ રવિવારે એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો. T20 ફોર્મેટમાં આ તેમનો બીજો અને કુલ નવમો વિજય હતો. ભારતે પહેલા બોલિંગ કરતા પાકિસ્તાનને 146 રનમાં ઓલઆઉટ કર્યું અને પછી બે બોલ બાકી રહેતા 147 રનનું લક્ષ્યાંક હાંસલ કર્યો. તિલક વર્માએ 53 બોલમાં અણનમ 69 રનની મેચવિનિંગ ઇનિંગ રમી, જ્યારે શિવમ દુબેએ 22 બોલમાં 33 રન બનાવીને પાંચમી વિકેટ માટે 60 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી.

કુલદીપે રંગ રાખ્યો
આ પહેલાં, કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું. ચાર ઓવરમાં 30 રન આપીને ચાર વિકેટ લીધી. વરુણ ચક્રવર્તી (2/30), અક્ષર પટેલ (2/26), અને જસપ્રીત બુમરાહ (2/25) એ પણ મહત્વપૂર્ણ વિકેટ લીધી. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને સારી શરૂઆત કરી. સાહિબજાદા ફરહાન (38 બોલમાં 57) અને ફખર ઝમાન (35 બોલમાં 46) ની જોડીએ 10 ઓવરથી ઓછા સમયમાં 84 રન ઉમેરીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો પરંતુ પછી પાકિસ્તાનનો ધબડકો થઈ ગયો.
ભારતે મેચ પછી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો
એશિયા કપ 2025 જીત્યા પછી ટીમ ઈન્ડિયાએ ACC પ્રમુખ અને PCB ચેરમેન મોહસીન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આખી રાત નાટક ચાલ્યું, નકવી સ્ટેજ પર રાહ જોતા રહ્યા. ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી કેમ ન સ્વીકારી તે અંગે BCCI એ પોતાનું વલણ સમજાવ્યું. આ મામલે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ હવે એક નિવેદન જારી કર્યું છે કે ભારતીય ટીમે મોહસીન નકવી પાસેથી ટ્રોફી કેમ ન સ્વીકારી. નકવીએ કહ્યું, “ભારત એક દેશ સાથે યુદ્ધની સ્થિતિમાં છે અને એ જ દેશના નેતાના હસ્તે અમારે ટ્રોફી લેવાની આવુ ના ચાલે… અમે એવા દેશનું પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારી ન શકીએ જે અમારા દેશ સામે યુદ્ધ કરી રહ્યો છે. તેથી, અમે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો.”
નકવી ટ્રોફી પોતાના હોટલના રૂમમાં લઈ ગયા
સૈકિયાએ વધુમાં કહ્યું, “આનો અર્થ એ નથી કે તે વ્યક્તિ અમારી ટ્રોફી અને મેડલ, જે ભારતીય ટીમને મળવા જોઈતા હતા, તે પોતાના હોટલના રૂમમાં લઈ જાય. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને અમને આશા છે કે તે શક્ય તેટલી વહેલી તકે ટ્રોફી-મેડલ ભારત મોકલવાની સમજદારી રાખશે. આનાથી ઓછામાં ઓછું નૈતિકતાનું કંઈક સ્તર તો પુનઃસ્થાપિત થશે. અમે આજના (એશિયા કપ ફાઇનલ) એવોર્ડ સમારોહમાં તે વ્યક્તિના વર્તન સામે સખત વિરોધ નોંધાવવા જઈ રહ્યા છીએ.”
