
કમરના અસહ્ય દુખાવા છતાં ઘેરેઘેર જઈ અસરગ્રસ્તોને આશ્વાસન – મુખ્યમંત્રી સાથે વળતર અંગે ચર્ચા
ઉનાઈ : વાંસદા તાલુકાના સિંણધઈ ગામે તાજેતરમાં આવેલી કુદરતી આફતને કારણે બે ફળિયાના આશરે 125 જેટલા પરિવારો ગંભીર અસરગ્રસ્ત બન્યા છે. અનેક ઘરોના પતરા ઉડી ગયા છે તો ઘણી ઘરો સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ છે. આવી કપરા સમયે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ પોતાને કમરના અસહ્ય દુખાવા હોવા છતાં ગામલોકો વચ્ચે પહોંચ્યા છે અને દીકરાપણું નિભાવ્યું છે.
પ્રથમ દિવસની મુલાકાત બાદ સતત સંપર્ક
આફત બાદના પહેલા જ દિવસે સાંસદશ્રીએ સરપંચ રાજુભાઈ પટેલ, ડૉ. લોચન શાસ્ત્રી તેમજ વાંસદા સંગઠનની ટીમ સાથે ગામની મુલાકાત લીધી હતી. ઘેરેઘેર જઈ પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. બાદમાં ફરી સર્વે કરાવીને અસરગ્રસ્તોની યાદી તૈયાર કરાવી હતી. ત્યારબાદ સામાજિક સંસ્થાઓને જોડીને પતરા, અનાજ અને ભોજનની વ્યવસ્થા કરાવી હતી.

બીજી વખત મોટી રાહત સાથે પહોંચ્યા
આજરોજ સાંસદ ધવલ પટેલ બીજી વાર સિંણધઈ ગામની મુલાકાતે પહોંચ્યા. આ વખતે 700 જેટલા પતરા, 5000 કિલો અનાજ અને 160 જેટલી ભોજન કીટ સાથે તેઓ ગામે પહોંચ્યા હતા. સરપંચ રાજુભાઈ પટેલ અને ડૉ. લોચન શાસ્ત્રીની ટીમ સાથે મળી તેમણે ફરી અસરગ્રસ્તોના ઘેરેઘેર જઈ સામગ્રી વિતરણ કરી હતી.

“હું તમારો દીકરો છું” – સાંસદ ધવલ પટેલ
ગામલોકોને સંબોધતા સાંસદશ્રીએ કહ્યું,
“સિંણધઈ ગામના લોકો આ મુશ્કેલીમાં એકલા નથી. હું તમારો દીકરો બનીને તમામ જરૂરી મદદ કરીશ. મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરી વહેલી તકે ખેતી, ઘરવખરી તથા જીવન જરૂરી વસ્તુઓના વળતર સીધા ખાતામાં જમા થશે. બાળકો માટે શિક્ષણની કીટ પણ વહેંચાશે.”

તેમણે જણાવ્યું કે આ બાબતે મુખ્યમંત્રીશ્રી સાથે ગંભીર ચર્ચા થઈ છે અને અસરગ્રસ્તોને ઝડપથી સહાય ઉપલબ્ધ થશે.
અસરગ્રસ્તોનો આભાર
સિંણધઈ ગામના લોકોએ સાંસદ ધવલભાઈ પટેલ અને તેમની ટીમનો દિલથી આભાર માન્યો હતો. ગામલોકોના જણાવ્યા મુજબ સાંસદશ્રીએ મુશ્કેલીના સમયે સચ્ચા દીકરાની જેમ મદદ કરી છે.
સાંસદ ધવલ પટેલે માત્ર રાજકીય ફરજ નહીં પણ માનવીય સેવા અને દીકરાપણું નિભાવ્યું છે. કુદરતી આફત બાદ સતત બીજી મુલાકાતે આવીને ઘેરેઘેર સહાય પહોંચાડીને તેમણે પ્રજાજનોના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.
