
નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલું જગદમ્બા ધામ હંમેશાની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી અનુષ્ઠાનનું કેન્દ્ર બન્યું હતું. અહીં કથાકાર પ્રફુલભાઈ શુક્લના સંકલ્પથી આયોજિત નવચંડી યજ્ઞ, દેવી ભાગવત કથા અને નવરાત્રી અનુષ્ઠાનની શ્રેણી અંતર્ગત વિશેષ કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે કથાકાર પ્રફુલભાઈ શુક્લે જાહેર કર્યું કે સમગ્ર નવરાત્રી દરમ્યાન થયેલા પાવન અનુષ્ઠાન અને યજ્ઞકર્મનું પુણ્ય દેશના ગૌરવ વધારનાર અને પાકિસ્તાનને ધૂળ ચટાડી વિજય મેળવનાર ‘ઑપરેશન સિંદૂર’ના વીર સેનિકોને અર્પણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સેનિકો પ્રત્યે આ શ્રદ્ધાંજલિ આપણી આધ્યાત્મિક ફરજ છે.

અગિયાર દિવસ સુધી સતત સેવા આપનાર બિપીનભાઈ ભેરવી, મનુભાઈ રૂપાભવાની અને પ્રતીક પટેલ આછવણીનું સત્કાર પણ કાર્યક્રમમાં કરવામાં આવ્યું. સેવા ભાવના અને શ્રદ્ધાભાવે નિભાવેલી તેમની કામગીરીને સમાજે બિરદાવી હતી.
નવરાત્રી અનુષ્ઠાનના અંતિમ દિવસે માતાજીની મૂર્તિ તથા જવારા નું વિસર્જન શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અવરંગા નદીના કિનારે કરવામાં આવ્યું. ખાસ વાત એ રહી કે 108 દિવાનાં દીપોત્સવી માહોલમાં આરતી સાથે આ વિસર્જન યાત્રા ગાજવીજપૂર્વક પૂર્ણ થઈ. આ આરતીનો દૃશ્ય દ્રષ્ટાને મંત્રમુગ્ધ કરી દેતો હતો.

આ પ્રસંગે અમરતભાઈ શિવશક્તિ, રમીલાબેન રામાનંદી સરોણ, અનિલભાઈ કાપડિયા, મુકેશભાઈ સોમનાથ, જૈસિંગભાઈ, અમરતભાઈ તથા લીલાબેન પટેલ (ભોયાવાડ) ઉપસ્થિત રહ્યા હતા. તેમનાં સક્રિય સહકારથી સમગ્ર અનુષ્ઠાન સફળતાપૂર્વક યોજાઈ શક્યું. કાર્યક્રમ દરમ્યાન આચાર્ય કિશન દવે દ્વારા વેદમંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિઓ કરાવવામાં આવી.
જ્યારે સમૂહમાં “જય ભવાની, જય અંબે”ના પ્રચંડ નાદ થયા, ત્યારે સમગ્ર વાતાવરણમાં અદ્ભુત ઊર્જા અને શ્રદ્ધાનો અનુભવ થયો. ગામ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહી આ આધ્યાત્મિક ક્ષણના સાક્ષી બન્યા હતા.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે કથાકાર પ્રફુલભાઈ શુક્લ છેલ્લા 51 વર્ષથી મા જગદંબાના નવરાત્રી અનુષ્ઠાનનું આયોજન કરી રહ્યા છે. તેમના જીવનમાં આ વખતે યોજાયેલી દેવી ભાગવત કથા 885મી કથા તરીકે નોંધાઈ છે. તેઓએ જણાવ્યું કે આ બધું માતાજીની કૃપા અને શ્રોતાઓના આશીર્વાદથી જ શક્ય બન્યું છે.
આ નવરાત્રી અનુષ્ઠાન માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક પ્રસંગ પૂરતું જ નથી, પરંતુ દેશપ્રેમ અને સમાજસેવાના સંદેશો પ્રસરાવતું પવિત્ર મંચ બની ગયું છે. જગદમ્બા ધામમાં થયેલા આ વિશાળ અનુષ્ઠાન દ્વારા ધાર્મિક ભક્તિ સાથે સાથે રાષ્ટ્રભક્તિનો ભાવ પણ પ્રબળ રીતે વ્યક્ત થયો હતો.
