
વલસાડ જિલ્લાના નવનિર્મિત નાનાપોંઢા તાલુકાની તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીનું ભવ્ય લોકાર્પણ રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે યોજાયું હતું. આ પ્રસંગે રાજ્યના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ, વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા.

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતના સર્વાંગી વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. “2001ના ભૂકંપ બાદ રાજ્યમાં 24 કલાક વીજ પુરવઠો ડાંગના ગામથી શરૂ થયો હતો, જે સમાન વિકાસ તરફનું ઐતિહાસિક પગલું હતું. વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પાણી અને સબ-સ્ટેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે,” એમ તેમણે જણાવ્યું.
મંત્રીએ ઉમેર્યું કે નવા તાલુકા અને જિલ્લાઓની રચનાથી સરકારી યોજનાઓનો સીધો લાભ સામાન્ય નાગરિકોને ઝડપથી મળશે. “સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે, પરંતુ નાના માણસના જીવન ધોરણ સુધારવા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પ્રયત્ન કરવો જરૂરી છે,” એમ કનુભાઈ દેસાઈએ કહ્યું.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, “નાનાપોંઢા તાલુકાની વર્ષોથી ચાલતી માંગણી આજે પૂર્ણ થઈ છે. હવે નાગરિકોને કામકાજ માટે કપરાડા જવું નહીં પડે, ઘર આંગણે સરકારની સેવા મળશે.” તેમણે નવા તાલુકા તથા જિલ્લાની જાહેરાતને નવરાત્રીની ભેટ ગણાવી હતી.

સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતે ગુડ ગવર્નન્સ મોડલ દ્વારા સમગ્ર દેશમાં પ્રેરણા આપી છે. “2014થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સુશાસનનું મોડલ બન્યું છે. નાના તાલુકા અને જિલ્લાઓ દ્વારા સેવાઓ ઝડપથી પ્રજાને મળી શકે છે,” એમ તેમણે ઉમેર્યું.
કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે કપરાડાની વસ્તી ત્રણ લાખની નજીક પહોંચી હતી, જેના કારણે નાનાપોંઢા તાલુકાની રચના અનિવાર્ય બની હતી. “હવે બે લાખથી વધુ વસ્તી ધરાવતા આ તાલુકાના નાગરિકોને સરકારી સેવાઓ ઝડપથી અને સરળતાથી મળશે,” એમ તેમણે જણાવ્યું. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલનો આભાર માન્યો.

નવા તાલુકામાં કુલ 49 ગામોનો સમાવેશ થયો છે, જેમાં નાનાપોંઢા, મોટાપોંઢા, અરનાલા, સુખાલા, ધોધડકુવા, કવાલ, વાજવડ, અંભેટી સહિતના ગામોનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી શરૂ થતા નાગરિકોને વિવિધ સેવાઓ તાત્કાલિક ઉપલબ્ધ થશે.
કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી આર.સી. પટેલ, મામલતદાર નવીન ચૌરા, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, સંગઠન પ્રમુખ હેમંત કંસારા તથા APMC ચેરમેન મુકેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નાનાપોંઢા તાલુકાની સ્થાપના વલસાડ જિલ્લાના વિકાસને નવો વેગ આપશે તેવો વિશ્વાસ સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યો હતો.
નાનાપોંઢા તાલુકાની મામલતદાર તથા તાલુકા પંચાયત કચેરીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ વૃક્ષો રોપી હરિયાળીનો સંકલ્પ લીધો.
