
પારડી તાલુકાની ડહેલી ડવલજીર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક શ્રી દિલીપકુમાર બાલુભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન સમારંભ હર્ષોલ્લાસભેર યોજાયો હતો. ૩૫ વર્ષથી વધુ સમય સુધી

શિક્ષણક્ષેત્રે સેવાઓ આપનાર શ્રી પટેલે પોતાના કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૦માં પોરબંદર જિલ્લાના બિલેશ્વર પ્રાથમિક શાળામાં બિનતાલીમી શિક્ષક તરીકે કરી હતી. બાદમાં તાલીમ મેળવી વલસાડ જિલ્લાના ડવલજીર શાળામાં ૨૫ વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવી હતી.

શિક્ષણક્ષેત્ર સાથે સાથે વિજ્ઞાનમેળા, રમતગમત, તરૂણમહોત્સવ, ચૂંટણી કામગીરી અને કોરોનાકાળ દરમિયાન આપેલ ફરજ નિષ્ઠા માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં શ્રી પટેલને શાલ-શ્રીફળ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.
શાળા પરિવાર તરફથી તેમને નિવૃત્તિ પછી આરોગ્ય, આનંદ અને લાંબુ આયુષ્ય મળે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમારંભમાં ભાવનાત્મક વાતાવરણ વચ્ચે સહકર્મીઓએ તેમની સેવાભાવના અને શિક્ષણપ્રેમને બિરદાવ્યો હતો.
કાર્યક્રમમાં સરપંચ તેજલ બેન મિતેશ ભાઈ પટેલ પારડી તાલુકા બી આર સી , સી આર સી , કેન્દ્ર શિક્ષકો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
