
પારડી તાલુકાના આસ્મા ગામના ખત્રી ફળીયામાં બનેલી કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. રોહીણા ગામના યુવક સાથે સગાઈ થયેલી યુવતી પોતાના ભાવી પતિના અચાનક નિધન બાદ તાણમાં આવી આત્મહત્યા કરી લીધી હતી.
મળતી માહિતી મુજબ, 20 વર્ષની સંજનાબેન મનુભાઈ નાયકા પોતાના માતા-પિતા સાથે આસ્મા ગામે રહેતી હતી. તેના પિતા મનુભાઈ મજૂરી કરીને પરિવાર ચલાવતા, જ્યારે માતા સંગીતાબેન ઘરકામ સંભાળતા. સંજનાના લગ્ન રોહીણા ગામના જીગર ભરત પટેલ સાથે નક્કી થયેલા હતા, પરંતુ લગભગ પાંચ મહિના પહેલા જીગરના અચાનક અવસાનથી સંજનાના જીવનમાં અંધારું છવાઈ ગયું હતું.
પ્રેમી તથા ભાવી પતિને ગુમાવ્યાના દુઃખે સંજના કાયમ ઉદાસ રહેતી હતી. વારંવાર માતા-પિતાને કહેતી કે “હવે મારે જીવવું નથી.” પરિવારજનોએ સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે મનથી તૂટીને બેસી ગઈ હતી.
ગુરુવારના રોજ તેની માતા અને દાદી ઘાસ કાપવા બહાર ગયેલા. સાંજે માતા ઘરે પરત ફર્યા ત્યારે સંજના રૂમમાં લાકડાના ડાંડા સાથે સાડી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી. તેને તરત જ રોહીણા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ડૉક્ટરોએ મૃત જાહેર કરી હતી.
આ હૃદયદ્રાવક ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સૌના મોઢે એક જ શબ્દ – “દિકરીએ કેમ આવું કર્યું?” સંજનાનો નિર્દોષ પ્રેમ અને અધૂરું સપનું આજે પણ આસ્મા ગામમાં દુઃખની છાયા છોડી ગયું છે.
