
વલસાડ જિલ્લાના પારડી, નાનાપોઢા અને ધરમપુર તાલુકામાં મોટી સંખ્યામાં ખેડૂતો મરચાંની ખેતી કરે છે. આ વિસ્તારનું હવામાન અને જમીન મરચાં માટે અનુકૂળ હોવા છતાં, છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો ભારે નુકસાન ભોગવી રહ્યા છે. આ વર્ષે પણ અનિયમિત વરસાદ અને અસમાન હવામાનને કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. એક એક ખેડૂતો લાખો રૂપિયાનું રોકાણ કરીને મહેનતથી પાક ઉગાડે છે, પરંતુ પાક વેચવાના સમયે તેમને યોગ્ય ભાવ મળતો નથી.

સ્થાનિક બજારોમાં વેપારીઓ મનમાની રીતે ભાવ નક્કી કરી ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ કરી રહ્યા છે. મરચાંનું વજન કાંટા પર લઈને ભાવ બીજા દિવસે ચુકવણી કરવામાં આવે છે, જેમાં ઘણાં કિસ્સાઓમાં ખેડૂતોને ઓછો ભાવ મળવાનો વારો આવે છે. મહેનત અને પૈસાનો યોગ્ય પ્રતિફળ ન મળતાં ખેડૂતો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં ખેડૂતો માટે કોઈ મજબૂત સંગઠન ન હોવાને કારણે તેમની સમસ્યાઓ વારંવાર અવગણાય છે. ખેડૂતોમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે તેઓ દેશના અન્નદાતા છે, ત્યારે તેમની મહેનતનો ન્યાયસંગત ભાવ કેમ મળતો નથી?

સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને ખેડૂત હિત માટે આગળ આવી વેપારીઓની મનમાની સામે કડક પગલાં લેવા અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે હસ્તક્ષેપ કરવાની જરૂર છે. જો યોગ્ય નીતિ અમલમાં લાવવામાં નહીં આવે, તો વલસાડ જિલ્લાના મરચાં ખેડૂતોએ આગામી સિઝનમાં ખેતી છોડવાની ચેતવણી આપી છે.
