
વલસાડ જિલ્લાના પારડીથી નાનાપોઢા જતા નેશનલ હાઈવે નં. 848 પર ધગળમાળ નજીક મોડી સાંજે બનેલી દુર્ઘટનામાં બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે વાછરડાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં બે વાછરડાં કોઈક દ્વારા છોડી મુકવામાં આવ્યા હતા, જે રસ્તાઓ પર ફરતા જોવા મળતા હતા. આજ રોજ એ પૈકી એક વાછરડો અચાનક હાઈવે પર આવી જતા ઝડપથી પસાર થતી બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો.

ઘટનાની જાણ થતાં ગ્રામજનો તરત જ મદદ માટે દોડી આવ્યા અને ઘાયલ બાઈક સવારને 108 મારફત હોસ્પિટલ ખસેડાયો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. જીવદયા પ્રેમીઓએ જણાવ્યું કે ગાયની રક્ષા કરવી આપણા ધર્મનો ભાગ છે, પરંતુ વાછરડાં જન્મે પછી તેમને છોડી દેવું એ નિર્મમ કૃત્ય છે.

સ્થાનિક કાર્યકરોએ તંત્ર પાસે માંગણી કરી છે કે છોડી દેવાયેલા પશુઓ માટે સંભાળ કેન્દ્ર અથવા આશ્રયસ્થળ બનાવવામાં આવે અને આવા બેદરકાર પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ધગળમાળ નજીક બનેલી આ ઘટના એ સ્પષ્ટ સંદેશ આપે છે કે જીવદયા માત્ર શબ્દોમાં નહીં, પરંતુ કાર્ય દ્વારા સાબિત કરવાની જરૂર છે.
