
વલસાડ–ડાંગ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ તથા કપરાડા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીની હાજરીમાં ગોયમા ગામે આદિવાસી બિરસા મુંડા ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગોયમા સહિત આસપાસના વિસ્તારોના યુવા ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું કે ભગવાન બિરસા મુંડા તથા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ દેશભરમાં વ્યાપક રીતે ઉજવાઈ રહી છે. આવી ઐતિહાસિક ક્ષણે ગોયમા ગામને ક્રિકેટ મેદાન તરીકે એક નવી ભેટ મળવી એ ગામના વિકાસ માટે આનંદની વાત છે. તેમણે મેદાન નિર્માણ માટે ગામજનોના પ્રયત્નોને બિરદાવ્યા.

ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ડેપ્યુટી સરપંચ મિતેશભાઈ પટેલ અને ગામના યુવાનોએ મળીને ક્રિકેટ મેદાન તૈયાર કર્યું છે, જે પ્રશંસનીય સેવાયજ્ઞ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે હવે યુવાનો માત્ર ક્રિકેટ જ નહિ, પરંતુ લશ્કર અને પોલીસ ભરતી માટે જરૂરી દોડની પ્રેક્ટિસ પણ આ મેદાનમાં કરી શકશે, જે તેમના ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત સભ્ય શૈલેષભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આભારવિધિ સુભાષભાઈ પટેલે અને કાર્યક્રમ સંચાલન યોગેશભાઈ પટેલે નિભાવ્યું હતું. ગોયમા ગામમાં રમતગમતને નવા આયામ આપનાર આ પહેલને સ્થાનિકોમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે.
