
વલસાડ જિલ્લાના પારડી–નાનાપોઢા નેશનલ હાઈવે 848 તથા ચીવલ રોડ નજીક આજે બપોરે પછી અચાનક એક મોટું વૃક્ષની ડાળી રોડ પર પડતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો હતો. હાઈવે તથા લિંક રોડ પર એક તરફ લાંબી કતારો લાગી ગઈ હતી, જેમાં બે-ચાર વેળા તાત્કાલિક સેવાઓ આપતી એમ્બ્યુલન્સને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતા ચીવલ ગામના જાગૃત યુવાનો સ્થળ પર દોડી આવ્યા. સ્થાનિક યુવાનો સુનિલ પટેલ અને અરબાઝ શેખના આગેવાના હેઠળ યુવાનોની ટિમે ઇમરજન્સી રૂપે વૃક્ષની ડાળીઓ કાપી રોડ પરથી દૂર કરી દીધી. યુવાનોની સમયસર પ્રવૃત્તિથી ટ્રાફિક થોડા જ સમયમાં ફરી નિયમિત શરૂ થયો હતો. જો ડાળી સમયસર દૂર ન કરવામાં આવી હોત તો અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા હતી. અગાઉ પણ આ જ વિસ્તારમાં આવા ઘટનાક્રમો બન્યા હોવાની માહિતી સામે આવી છે.

ચીવલ રોડ અને આસપાસના વિસ્તારોમાં અનેક મોટા અને જોખમી વૃક્ષો વર્ષોથી ઉભા છે, જેમાં થી મોટાભાગના વરસાદ અને પવનમાં જોખમ સર્જે છે. ગ્રામજનો ખાસ કરીને સ્કૂલ વેન, બાઈક સવારો અને રોજિંદા કામે જતા લોકો માટે આ સ્થિતિ ગંભીર બની રહે છે. ચીવલ ગામના નાગરિકો, ખાસ કરીને યજ્ઞેશ ઉર્ફે પિન્ટુ પટેલે વન વિભાગને હાકલ કરી છે કે આ રોડ પર સ્થિત તમામ જોખમી અને નબળા વૃક્ષોની તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં અકસ્માતો અટકાવી શકાય.
સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ અને તંત્ર સંકલન સાથે સુરક્ષા પગલાં લે અને ચીવલ રોડને સંપૂર્ણ સુરક્ષિત બનાવે.
