
નાનાપોઢા તાલુકાના ડહેલી ગામમાં “જનજાતીય ગરિમા ઉત્સવ 2026” અંતર્ગત જનભાગીદારી અભિયાન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય પ્રધાનમંત્રીના “વિકસિત ભારત”ના વિઝનથી પ્રેરિત આ અભિયાન ૧૮ મેથી ૨૫ મે ૨૦૨૬ દરમિયાન સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજનું સશક્તિકરણ, આદિવાસી સંસ્કૃતિ અને વારસાનું સંવર્ધન તેમજ આદિવાસી લોકોના અધિકારો અંગે જાગૃતિ લાવવાનો રહ્યો હતો.

ડહેલી ગામે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોએ ભાગ લઈને ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને ખેડૂતોને ખેતી માટે મળતી સહાય, પાક વીમા યોજના, ખાતર-બિયારણ સહાય, કૃષિ સાધનો પર મળતી સબસિડી તેમજ અન્ય કૃષિલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આધાર કાર્ડ સુધારણા અને નવી નોંધણી, પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ, બેંકિંગ સેવાઓ, આરોગ્ય ચકાસણી અને સરકારી આરોગ્ય યોજનાઓ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા

ગ્રામજનોને આરોગ્ય જાગૃતિ અંગે સમજ આપવામાં આવી હતી. સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં મળતી મફત સારવાર અને યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. બેંક અને પોસ્ટ ઓફિસના પ્રતિનિધિઓએ ગ્રામજનોને ડિજિટલ વ્યવહાર, બચત અને વીમા યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આધાર કાર્ડ વિભાગ દ્વારા સ્થળ પર જ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા સભ્ય વિનોદભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શૈલેષભાઈ પટેલ, વિવિધ ગામોના સરપંચો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે અને તેનો સીધો લાભ ગામડાંના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવા જનજાગૃતિ કાર્યક્રમો જરૂરી છે.
પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શૈલેષભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગામડાંઓનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ શક્ય બનશે. સરકાર ગામના લોકોની પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે અને દરેક સમાજ સુધી વિકાસના લાભો પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે. તેમણે ગ્રામજનોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.
ડહેલી ગામમાં યોજાયેલા આ “જનજાતીય ગરિમા ઉત્સવ 2026” કાર્યક્રમને ગ્રામજનો તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લોકોમાં વિકાસલક્ષી યોજનાઓ અંગે જાગૃતિ અને સરકાર પ્રત્યે વિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો.

