વલસાડ જિલ્લા પંચાયતની નવી ટીમની સર્વાનુમતે વરણીહેતલબેન પટેલ પ્રમુખ અને શૈલેષભાઈ પટેલ ઉપપ્રમુખ બન્યા

By Arbaz Shaikh

વલસાડ, તા. ૨૫ : વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ માટેની વરણી પ્રક્રિયા સોમવારે ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે પૂર્ણ થઈ હતી. વલસાડ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી નર્સિંગ કોલેજના હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તમામ હોદ્દાઓ પર સર્વાનુમતે નિમણૂકો થતાં ભાજપ સંગઠન તેમજ કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

વરણી પ્રક્રિયા દરમિયાન કોસંબા બેઠકના સભ્ય શ્રીમતી હેતલબેન જીતેશભાઈ પટેલને વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે ડહેલી બેઠકના સભ્ય શ્રી શૈલેષભાઈ નાનુભાઈ પટેલની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. બંને નેતાઓની પસંદગી બાદ ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

જિલ્લા પંચાયતના અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પણ સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. ઉમરસાડી બેઠકના શ્રી પ્રજ્ઞેશભાઈ બળવંતરાય પટેલને કારોબારી અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. પાનેરા બેઠકના શ્રી જયભાઈ મુકુંદભાઈ ત્રિવેદીની શાસક પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. ઉપરાંત આવધા બેઠકના શ્રીમતી અનિલાબેન હરેશભાઈ જોગારીને દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ-ડાંગના સાંસદ તથા લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ તથા કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી કે નવી ટીમ જિલ્લા વિકાસના કાર્યોને વધુ ગતિ આપશે અને ગ્રામ્ય વિસ્તારોમાં જનસુવિધાઓને મજબૂત બનાવવા માટે કાર્ય કરશે. જિલ્લા પંચાયતના વિકાસલક્ષી કાર્યો, માર્ગ-મકાન, આરોગ્ય, શિક્ષણ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓમાં વધુ પ્રગતિ થાય તે માટે નવી ટીમ સકારાત્મક અભિગમ સાથે કામ કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી નિખિલભાઈ ચોકસી સહિત જિલ્લા, તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.

વરણી બાદ ઉપસ્થિત કાર્યકરો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોનું ફૂલહાર પહેરાવી અભિનંદન કરવામાં આવ્યું હતું. નવી ટીમની પસંદગી સાથે વલસાડ જિલ્લા પંચાયતના રાજકીય અને વિકાસલક્ષી કાર્યમાં નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાનું કાર્યકરોમાં ચર્ચાતું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles