
નેપાળમાં ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેશના પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલના ઘરે પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો અને ઘરને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં ખનલના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકારને પણ નિશાન બનાવવામાં આવી. તેઓ ગંભીર રીતે બળી ગયા હતા અને તેમનું મોત થઈ ગયું છે. આ ઘટના દલ્લૂ સ્થિત તેમના નિવાસસ્થાને બની હતી, જ્યાં પ્રદર્શનકારીઓએ તેમને ઘરની અંદર ઘૂસીને આગ લગાવી દીધી હતી.
સારવાર દરમિયાન નીપજ્યુ મોત
પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમને ગંભીર સ્થિતિમાં કીર્તિપુર બર્ન હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. આ ઘટનાથી નેપાળમાં ઘાયલોની સંખ્યામાં વધારો થયો છે. “Gen Z” પ્રદર્શન જે સોમવારથી શરૂ થયું હતું, હવે તે વધુ હિંસક બની ગયું છે. હમણાં સુધી અધિકારીઓ તરફથી આ હુમલા અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
ખનાલને સેના દ્વારા બચાવી લેવામાં આવ્યા
પ્રદર્શનકારીઓએ ઘરની અંદર ઘૂસીને આગ લગાવી હતી જેના કારણે રાજ્યલક્ષ્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના જણાવ્યા મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ પોતાના પુત્ર નિર્ભીક ખનલ સાથે ઘરમાં હાજર હતા. આગની લપેટમાં આવ્યા બાદ તેમને છાવણી સ્થિત નેપાળી સેના હોસ્પિટલમાં ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ અહીં તેમનું આઇસીયુમાં સારવાર કરવામાં આવી, પરંતુ તેઓ ગંભીર રીતે બળી ગયા હોવાથી તેમને કીર્તિપુર હોસ્પિટલ લઈ જવાયા હતા. ઝલનાથ ખનાલના ઘરમાં આગ લાગી તે પહેલાં જ નેપાળની સેના દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.