મંજૂરી વિના ‘પ્રેસ કાઉન્સિલ’ કે ‘પ્રેસ પરિષદ’ નામનો ઉપયોગ પ્રતિબંધિત : માહિતી વિભાગની ચેતવણી

રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ
રાજ્યમાં વિવિધ મંડળો, સંસ્થાઓ કે વ્યક્તિઓ દ્વારા ‘પ્રેસ કાઉન્સિલ’ અથવા ‘પ્રેસ પરિષદ’ જેવા શબ્દોનો અવ્યવસ્થિત ઉપયોગ થતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની યાદીમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, કોઈપણ સંસ્થા કે વ્યક્તિને કેન્દ્ર સરકારની અધિકૃત મંજૂરી વિના આ શબ્દોનો ઉપયોગ કરવાની મનાઈ છે.

જો કોઈપણ મંડળ, સંસ્થા કે વ્યક્તિ આ પ્રતિબંધની અવગણના કરી શીર્ષકમાં કે પોતાના નામમાં આવા શબ્દોનો ઉપયોગ કરશે, તો તેમના વિરુદ્ધ તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ, આવી સંસ્થાની નોંધણી રદ કરવાનો પણ અધિકાર સંબંધિત સત્તાધિકારીઓને આપવામાં આવ્યો છે.

માહિતી વિભાગે જણાવ્યું કે, રાજ્યના દરેક સ્તરે સુનિશ્ચિત કરવાનું રહેશે કે, સ્થાનિક મંડળો, સરકારી સંસ્થાઓ કે ખાનગી સંગઠનોના નામમાં “પ્રેસ કાઉન્સિલ” અથવા “પ્રેસ પરિષદ” શબ્દનો સમાવેશ ન થાય. જો આવા કિસ્સા સામે આવશે, તો તેની નોંધણી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે.

વિભાગ દ્વારા પ્રકાશિત યાદીમાં ખાસ ભાર મૂકાયો છે કે, લોકો ગેરસમજમાં આવીને કોઈ ખોટી સંસ્થા કે મંડળને અધિકૃત માની ન બેસે. આવા ભ્રમને ટાળવા કડક કાનૂની પગલાં લેવાશે.

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા : અખબારી સ્વાતંત્ર્યની રક્ષક

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની એક સ્વાયત્ત સંસ્થા છે. તેની સ્થાપના પ્રેસ કાઉન્સિલ એક્ટ, ૧૯૭૮ હેઠળ કરવામાં આવી હતી.

આ કાઉન્સિલનો મુખ્ય હેતુ દેશના વર્તમાનપત્રો, સમાચાર સંસ્થાઓ અને અખબારોની ગુણવત્તા જાળવવાનો છે. અખબારી સ્વાતંત્ર્યની રક્ષા કરવી, પત્રકારત્વના માપદંડો સુનિશ્ચિત કરવી અને પત્રકારો સામેના અયોગ્ય દબાણ કે દખલનો વિરોધ કરવો એ પણ તેના મુખ્ય કાર્યોમાંનો એક છે.

ખોટી સંસ્થાઓ સામે ચેતવણી

તાજેતરમાં કેટલાક ખાનગી મંડળો તથા સંસ્થાઓ દ્વારા પોતાના શીર્ષકમાં “પ્રેસ કાઉન્સિલ” અથવા “પ્રેસ પરિષદ” જેવા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો હોવાના અહેવાલો મળ્યા હતા. જેના પગલે સરકાર તરફથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, આવો ઉપયોગ લોકોને ભ્રમિત કરનાર અને કાયદેસર ગુનો ગણાશે.

સરકારએ તમામ જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓને પણ સૂચના આપી છે કે, તેઓ પોતાના વિસ્તારમાં આવી ગેરરીતિઓ સામે તરત જ પગલાં લે. આમ, હવે રાજ્યમાં કોઈ પણ ખોટી સંસ્થા “પ્રેસ કાઉન્સિલ” અથવા “પ્રેસ પરિષદ”ના નામે પ્રવૃત્તિ કરી શકશે નહીં.
સરકારની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક જ કાનૂની અને અધિકૃત સંસ્થા છે, જેનું કાર્ય પત્રકારત્વના ધોરણો જાળવવાનું છે. આ નામનો ઉપયોગ કરનાર અન્ય કોઈપણ મંડળ કે વ્યક્તિ ગેરકાનૂની ગણાશે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles