
જાન્યુઆરી 930માં મક્કામાં એક એવી ઘટના બની જેણે તે સમયના સમગ્ર ઇસ્લામિક વિશ્વને હચમચાવી નાખ્યું.
અબ્બાસી ખિલાફતમાં આંતરિક વિભાજનથી કઠિન પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારે મક્કામાં પ્રવેશેલા એક જૂથે કાબામાંથી કાળો પથ્થર હટાવી દીધો, જેને મુસ્લિમો પવિત્ર માને છે.
આ જૂથ કાળા પથ્થરને પોતાની સાથે લઈ ગયું અને આગામી 22 વર્ષ સુધી તે મક્કામાં પાછો ફર્યો નહીં.
X/@REASAHALHARMAINકાળો પથ્થર
શાબ્દિક રીતે જોઈએ તો સામાન્ય રીતે એ કાળો પથ્થર જ છે. આ અંડાકાર પથ્થર, લાલ અને શાહી જેવા પીળાશ પડતા રંગનો છે, જેનો વ્યાસ લગભગ 30 સેમી છે.
તેને કાબાના દક્ષિણપૂર્વ ખૂણામાં દીવાલ સાથે જમીનથી લગભગ પાંચ ફૂટ ઉપર સ્થાપિત કરેલો છે. અલી શબ્બીર ‘હિસ્ટ્રી ઑફ ધી બ્લૅક સ્ટોન’માં લખે છે કે આને કાળો પથ્થર, રુકન અસ્વાદ (કાળો ખૂણો), હજર અને રુકન પણ કહેવામાં આવે છે, જે તવાફની શરૂઆત અને અંતનું પ્રતીક છે.
અમેરિકાના ડલાસસ્થિત ગામિદી સેન્ટર ઑફ ઇસ્લામિક લર્નિંગ સાથે જોડાયેલા સંશોધક નઈમ અહેમદ બલોચના મતે, કાળા પથ્થરનો સ્પર્શ કરવો (કાળા પથ્થરને ચુંબન કરવું અથવા સ્પર્શ કરવો) એ એક પ્રતીક છે.
તેઓ કહે છે. “અમે પ્રતીકાત્મક રીતે અલ્લાહ પ્રત્યે વફાદારીની પ્રતિજ્ઞા કરીએ છીએ અને તેમની આજ્ઞાકારિતાનું એલાન કરીએ છીએ.’
આ પથ્થર સાથે જોડાયેલો ઇતિહાસ વાસ્તવમાં ઇસ્લામ ધર્મ કરતાં પણ જૂનો છે. એ વાત પર પણ ઘણીવાર ચર્ચા ચાલતી હોય છે કે શું આ કોઈ ઉલ્કાપિંડ છે? જ્વાળામુખીનો બનેલો ખડક છે કે કુદરતી કાચનો ટુકડો છે?
આ સંદર્ભમાં મારિયા ગોલિયા તેમના પુસ્તક ‘ઉલ્કાપિંડ: પ્રકૃતિ અને સંસ્કૃતિ’ માં લખે છે કે કાળા પથ્થરનું ક્યારેય આધુનિક વૈજ્ઞાનિક તકનીકોથી વિશ્લેષણ કરવામાં આવ્યું નથી. આથી તેનું મૂળ શું છે એ કાયમથી અટકળોનો વિષય બન્યો છે.
અલ-અરઝીકીએ મક્કાના ઇતિહાસમાં ઇબ્ને અબ્બાસને ટાંકીને વર્ણન કર્યું છે કે, “જ્યારે પયગંબર આદમને સ્વર્ગમાંથી નીચે મોકલવામાં આવ્યા હતા ત્યારે અલ્લાહ સર્વશક્તિમાને તેમની સાથે કાળો પથ્થર અને ઇબ્રાહિમનો મકામ પણ મોકલ્યો હતો. જેથી તેઓ તેમનાથી પરિચિત થઇ જાય.’
શિફા અલ-ગરામ અનુસાર, ઇબ્ને ઇશાક કહે છે કે “નૂહના જળપ્રલય સમયે કાળા પથ્થરને અબુ કુબૈસ પર્વત પર સાચવીને રાખવામાં આવ્યો હતો. જ્યારે પયગંબર ઇબ્રાહિમ કાબાનું નિર્માણ કરતા હતા ત્યારે ગેબ્રિયલે કાળો પથ્થર લાવીને તેની જગ્યાએ સ્થાપિત કર્યો હતો.”
ઇસ્લામિક જ્ઞાનના ક્ષેત્રમાં આ કાળા પથ્થર અંગે કેટલીક આયતોમાં સ્પષ્ટ સંકેત (બયનાત) આપીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે કહે છે કે ‘પૃથ્વી પર આવ્યા પછી નૂહના પૂર વગેરે જેવી મોટી આફતોનો ભોગ બન્યા છતાં કાળો પથ્થર અકબંધ રહ્યો. તે ઘણી વખત તેના સ્થાનેથી ઉખડી ગયો હતો, પરંતુ તે તેના સ્થાને પાછો ફર્યો.’
જ્યારે કાબામાંથી કાળો પથ્થર 22 વર્ષ માટે દૂર કરવામાં આવ્યો હતો
X/@REASAHALHARMAIN
18 જાન્યુઆરી, 930 નો આ દિવસ હતો. સોમવારની બપોર હતી, જ્યારે આ ઘટના બની. આ ઘટના પછી કાળો પથ્થર ઘણાં વર્ષો સુધી કાબા કરતાં અલગ સ્થાને રહ્યો.
9મી થી 11મી સદી દરમિયાન ઈરાક, યમન અને ખાસ કરીને બહેરીનમાં સક્રિય કર્માટિયન સૈન્ય, અબુ તાહિર સુલેમાનના નેતૃત્વ હેઠળ હજના છ દિવસ પહેલાં ઘોડા પર સવાર થઈને હરમમાં પ્રવેશ કરી ચૂક્યું હતું.
ફ્રાન્સિસ ઇ. પીટર્સ તેમના પુસ્તક ‘મક્કા: અ લિટરરી હિસ્ટ્રી ઑફ ધ મુસ્લિમ હૉલી લૅન્ડ’માં લખે છે કે ‘જ્યારે પણ કર્મેટિયન્સ અબ્બાસી ખિલાફતને નબળી પડતાં જોતા ત્યારે તેઓ તેના પર હુમલો કરતા. કુફાથી મક્કા સુધીનો યાત્રા માર્ગ કે જે દરબ ઝુબૈદા તરીકે ઓળખાય છે એ તેમના માટે એક સરળ લક્ષ્ય હતું.’
“દસમી સદીના પહેલાં સાત વર્ષ સુધી, કર્મેટિયન્સે ઇરાકી હજ કાફલાઓને હેરાન કર્યા. આગામી બે દાયકા સુધી સન્નાટો છવાયેલો રહ્યો. પછી વર્ષ 925માં, બગદાદથી નીકળેલો હજ કાફલો મક્કા પહોંચવામાં નિષ્ફળ ગયો, અને આગામી બે વર્ષ સુધી, અબ્બાસી ખિલાફતની આ રાજધાનીમાંથી કોઈએ પણ હજ પર જવાની હિંમત કરી નહીં.”
ઓટ્ટોમન ઇતિહાસકાર કુતુબ અલ-દીનના મતે, “અબુ તાહિરની સેનાએ હરમ, મક્કા અને આસપાસની ખીણોમાં લગભગ 30,000 લોકોને મારી નાખ્યા.તવાફ કરતી વખતે 1700 લોકો માર્યા ગયા, અને ઝમઝમ અને અન્ય કૂવાઓ મૃતદેહોથી ભરાઈ ગયા.”
“પછી તેમણે કાબાના ખજાના લૂંટી લીધા. તેમણે મકામ ઇબ્રાહિમની શોધ કરી, એ પથ્થર જેના પર કાબા બનાવતી વખતે પયગંબર ઇબ્રાહિમના પગનાં નિશાન મળી આવ્યાં હતાં, પરંતુ તેને ક્યાંક છુપાવી દેવાયો હતો. હતાશામાં અબુ તાહિરે કાળો પથ્થર હઠાવીને તેને અલ-અહસા પ્રદેશની રાજધાની હજરમાં દાર અલ-હિજરાહ નામની મસ્જિદમાં સ્થાપિત કરાવ્યો.”
ઇસ્લામિક જ્ઞાનકોશમાં, સૈયદ કાસિમ મહમૂદ લખે છે કે, “અબુ તાહિર હવે આ વિચારથી ગ્રસ્ત હતો કે લોકોએ કાબાના હજ અને તવાફને છોડીને દાર અલ-હિજરાહની હજ કરવી જોઈએ, પરંતુ તે નિષ્ફળ ગયો.”
કાળો પથ્થર લગભગ 22 વર્ષ સુધી અબુ તાહિરના કબજામાં રહ્યો અને લગભગ 10 વર્ષ સુધી શાંતિના અભાવે કાબાની હજ થઈ શકી નહીં. 939માં અબુ તાહિરની પરવાનગી અને દરેક યાત્રાળુ પાસેથી પાંચ દિનારનો કર વસૂલવાની શરત સાથે હજ ફરી શરૂ થઈ.
કુતુબ અલ-દીનના મતે કાબાના પૂર્વ ખૂણા તરફ કાળા પથ્થરની જગ્યા ખાલી રહેતી હતી અને લોકો આશીર્વાદ લેવા ત્યાં હાથ મૂકતા હતા.
950માં કાબામાં કાળો પથ્થર ફરીથી ત્યાં સ્થાપિત કરવામાં આવ્યો.
ઇતિહાસમાં લખાયું છે કે કુરબાનીના દિવસે સુનબુર બિન હસન કરમતીએ કાળા પથ્થરને તેની જગ્યાએ પાછો મૂક્યો. જ્યારે લોકોએ કાળા પથ્થરને જોયો ત્યારે તેઓ કૃતજ્ઞ થયા અને તેને ચૂમવા લાગ્યા.
કાબાનો આગથી વિનાશ અને તેનું પુન:ર્નિર્માણ
એ નોંધવું જોઈએ કે ઇસ્લામ પહેલાં પણ કાળા પથ્થરને પવિત્ર માનવામાં આવતો હતો. ઇસ્લામની શરૂઆત પહેલાં કાબાની ઇમારત એક વખત આગથી નાશ પામી હતી.
ત્યારબાદ એક નવું કાબા બનાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે કાળા પથ્થરને તેની જગ્યાએ સ્થાપિત કરવાનો સમય આવ્યો ત્યારે મક્કાના લોકોમાં એ ચર્ચા થવા લાગી કે આ સન્માન કોને મળવું જોઇએ.
ઇબ્ને હિશામ અને શિફા અલ-ઘરામની સીરાહને ટાંકીને લખવામાં આવ્યું છે કે, “છેવટે, કુરૈશના સૌથી વિશ્વસનીય વ્યક્તિ અબુ ઉમૈયા બિન અલ-મુગીરાએ કહ્યું કે જે વ્યક્તિ પહેલી દેખાશે તે આ સેવા કરશે. અને તે જ ક્ષણે ઇસ્લામના પયગંબર ત્યાંથી પસાર થયા. તેથી બધાએ બૂમ પાડી…આમીન આવી ગયા છે, મહમદ આવી ગયા છે, અમને તેમને પસંદ કરીએ છીએ.”
એવું કહેવામાં આવે છે કે ઇસ્લામના પયગંબર સાહેબે સંપૂર્ણ શાણપણ સાથે કહ્યું, “મને એક ચાદર આપો.”
તેમને એક ધાબળો આપવામાં આવ્યો. તેમણે તેમાં કાળો પથ્થર મૂક્યો અને જનજાતિઓના સરદારોને કાપડના ખૂણા પકડીને તેને લઈ જવા કહ્યું. પછી તેમણે પોતે જ પથ્થર ઉપાડ્યો અને તેને નિર્ધારિત જગ્યાએ મૂક્યો.
આ પરંપરા સૂચવે છે કે ત્યાં સુધી કાળો પથ્થર એક સંપૂર્ણ પથ્થર હતો અને તેના ટુકડા થયા ન હતા.
કાળા પથ્થરને ક્યારે નુકસાન થયું?
અલ-અરઝાકી સાતમી સદીમાં અબ્દુલ્લા ઇબ્ને ઝુબૈર દ્વારા કાબાના નિર્માણમાં ભાગ લેનારા લોકોના શબ્દો ટાંકીને લખે છે કે કાબામાં આગ લાગી હતી ત્યારે કાળા પથ્થરના ત્રણ ટુકડા થઈ ગયા હતા.
“એક નાનો ટુકડો કોઈક રીતે બિનોશિબાના એક માણસને મળી ગયો અને ઘણા દિવસો સુધી ત્યાં જ રહ્યો. પછી અબ્દુલ્લાહ બિન ઝુબૈરે કાળા પથ્થરના ટુકડાઓને ચાંદીના વર્તુળ સાથે બાંધી દીધા. જ્યારે આ વર્તુળ પછીથી નબળું પડવા લાગ્યું અને કાળા પથ્થરના ટુકડાઓ હલવા લાગ્યા, ત્યારે અબ્બાસીદ ખલીફા હારુન અલ-રશીદે કાળા પથ્થરનાં છિદ્રોને ચાંદીથી ભરી દીધાં.”
અલી શબ્બીરના ‘હિસ્ટ્રી ઑફ ધ બ્લૅક સ્ટોન’ મુજબ ઇતિહાસમાં કાળા પથ્થર પર લગભગ ત્રણ વખત પ્રહાર કરવામાં આવ્યો હતો.
“ઓટોમન સુલતાન મુરાદ ચોથા (1623થી 1640)ની ખિલાફત દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો જેમાં એક હજાર લોકો માર્યા ગયા હતા અને કાબાને નુકસાન થયું હતું. કાળા પથ્થરને જ્યારે બહાર કાઢીને મૂકવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું હતું કે તેના 13 ટુકડા હતા, જેમાંથી મોટા ભાગના નાના હતા.”
હિલ્મી આયદિન ટોપકાપી પેલેસ મ્યુઝિયમ વિશેના તેમના લેખમાં લખે છે કે, “બે પવિત્ર મસ્જિદોના રક્ષકો તરીકે ઓટોમન સુલતાનોએ સમયાંતરે કાળા પથ્થરની આસપાસની ચાંદીની ફ્રેમ બદલાવી હતી. ક્ષતિગ્રસ્ત ફ્રેમને ઇસ્તંબુલ પાછી લાવવામાં આવી તેને હજુ પણ ટોપકાપી મહેલના પવિત્ર અવશેષ વિભાગમાં રાખવામાં આવી છે.”
અલી શબ્બીર મુજબ એકવાર એક માણસે હથોડીથી એક ટુકડો તોડી નાખ્યો હતો. જેને પાછળથી ફરીથી જોડવામાં આવ્યો હતો. આ સહિત હવે કાળા પથ્થરના કુલ 14 ટુકડાઓ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
source: bbc.com/gujarati