
કાઠમાંડું વિદ્યાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શન બાદ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. જોકે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે, પરંતુ વડા પ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામા પછી દેશ કેવી રીતે ચાલશે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. દેશ હાલમાં કોઈના હાથમાં નથી. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચારના આરોપોએ જે રીતે ગુસ્સો ભડકાવ્યો, તેનાથી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા.
જનરલ ઝેડ પ્રોટેસ્ટના નામે ઉભરી આવેલા આ વિરોધ પ્રદર્શનોએ માત્ર ઓલીની સરકારને પાડી દીધી જ નહીં, પણ એ પણ સ્પષ્ટ કર્યું કે નેપાળની નવી પેઢી હવે પરંપરાગત પક્ષો અને જૂના નેતાઓથી આશા ગુમાવી ચૂકી છે.
ઓલીના રાજીનામા પછી, બાલેન્દ્ર શાહ એટલે કે ‘બાલેન’ દેશના નવા વડા પ્રધાન બની શકે છે. જોકે, બાલેન શાહે ભારત વિશે ઘણા વિરોધી નિવેદનો આપ્યા છે. તેમ છતાં, તેમને સંપૂર્ણપણે ભારત વિરોધી કહી શકાય નહીં. ઘણી વખત તેમણે ભારત વિશે ટોણા માર્યા છે, આવી સ્થિતિમાં, જો બાલેન શાહ ખરેખર વડા પ્રધાન બને છે, તો ભારતે તેની નેપાળ નીતિ ખૂબ જ કાળજીપૂર્વક બનાવવી પડશે. નવી સરકાર સાથેના સંબંધો સંવેદનશીલ રીતે બનાવવા પડશે.
કાઠમંડુના મેયર બાલેન શાહ કોણ છે?
બાલેન શાહે ભૂતકાળમાં કેટલાક નિવેદનો આપ્યા છે, જેને ભારત પર કટાક્ષ કહી શકાય. જેમ કે તેમણે એક સમયે નેપાળ સરકારને ‘ભારતનો ગુલામ’ કહ્યો હતો. આ ઉપરાંત, તેમણે રાજધાની કાઠમંડુમાં ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે ફિલ્મમાં સીતા માતાને નેપાળને બદલે ભારતની પુત્રી કહેવામાં આવી હતી અને બાલેને સીતા માતાને નેપાળની પુત્રી કહી હતી, જે સાચું પણ છે. બાલેન શાહની રાજકીય સફર વિશે વાત કરીએ તો, નેપાળના રાજકારણમાં બાલેન શાહનો ઉદય કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. વ્યવસાયે સિવિલ એન્જિનિયર અને જુસ્સાથી રેપર, બાલેન, પાછળથી રાજકારણમાં પ્રવેશ્યા. તેમણે બાદમાં નેપાળની રાજધાની કાઠમંડુની મેયર ચૂંટણી જીતી હતી અને તેઓ ઘણીવાર યુવાનોનો અવાજ ઉઠાવે છે.
બાલેન શાહે યુવાનોના મુદ્દાઓને મજબૂત અવાજ આપવાની સાથે પારદર્શિતા, જવાબદારી અને પ્રામાણિક નેતૃત્વનું વચન આપીને પણ પોતાની છાપ છોડી. આ જ કારણ છે કે ઓલીના રાજીનામા પછી, તેમના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે કે શું બાલેન શાહ હવે નેપાળના વડા પ્રધાન બની શકે છે? જનરલ ઝેડની નજરમાં, બાલેન શાહ પરિવર્તનનું પ્રતીક છે. કાઠમંડુના રસ્તાઓ પર નીકળેલા યુવાનો તેમને પોતાનો અવાજ માને છે, કારણ કે તે પણ એ જ ડિજિટલ પેઢીમાંથી આવે છે જેણે સોશિયલ મીડિયા અને નાગરિક ચળવળોનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો.
શું બાલેન શાહ દેશ સંભાળી શકશે?
પ્રદર્શનકારીઓએ માંગ કરી છે કે બાલેન શાહને દેશના વચગાળાના વડા પ્રધાન બનાવવામાં આવે. પરંતુ પ્રશ્ન એ છે કે શું સ્થાનિક સ્તરે સફળ રહેલા બાલેન શાહ રાષ્ટ્રીય રાજકારણની જટિલતાઓને સંભાળી શકશે? પરંપરાગત પક્ષો હજુ પણ સંસદમાં પ્રભુત્વ ધરાવે છે અને સત્તાની લગામ સંભાળવા માટે માત્ર લોકપ્રિયતા પૂરતી નથી. રસ્તાઓ પર લડીને વડા પ્રધાન બનવું સહેલું હોઈ શકે છે, પરંતુ રસ્તાઓ પર લોકોની અપેક્ષાઓ પૂરી કરવી પણ એટલી જ મુશ્કેલ છે.