
સુરત : આજે તા. 25/09/2025ના રોજ એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા સુરત શહેર ટ્રાફિક રીજીયન-3 માં ફરજ બજાવતા બે ટી.આર.બી. જવાનો સામે સફળ ટ્રેપ હાથ ધરાયો હતો.
ફરીયાદી, જે કાપડ હેરાફેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને પોતાના ત્રણ ટેમ્પા વાહનો ધરાવે છે, તેમના જણાવ્યા મુજબ આરોપી નં. ૧ પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત તથા આરોપી નં. ૨ ધર્મેશ સારાભાઈ ભરવાડે સુરત શહેરમાં ચાલતા કુલ આશરે 30 વાહનો માટે માસિક લાંચની માંગણી કરી હતી. આરોપીઓએ એક ફોરવ્હીલર દીઠ રૂ. 1000 અને થ્રીવ્હીલર દીઠ રૂ. 700ની માંગ કરી હતી. ફરિયાદીની રજૂઆત બાદ રકઝકથી દર વાહન દીઠ રૂ. 500 આપવાની વાત નક્કી થઈ હતી.
ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી. એ.સી.બી.ની ટીમે સાઇ પોઇન્ટ, સી.આર. પાટીલ રોડ, ડિંડોલી વિસ્તારમાં ટ્રેપ ગોઠવ્યો. ટ્રેપ દરમ્યાન આરોપી નં. ૧એ ટેલીફોન પર ફરિયાદીને આરોપી નં. ૨ને લાંચ આપવાની સૂચના આપી. ત્યારબાદ આરોપી નં. ૨એ ફરીયાદી પાસેથી રૂ. 15,000ની લાંચ સ્વીકારી અને તરત જ રંગેહાથે ઝડપાઈ ગયો. આ રકમ બાદમાં આરોપી નં. ૧ને આપવા અંગે ટેલીફોન પર જાણ કરવામાં આવી હતી.
આ ટ્રેપ દરમિયાન રૂ. 15,000ની લાંચની રકમ કબજે કરવામાં આવી છે. કાર્યવાહી શ્રી એસ.એન. બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3 (ઇન્ટેલિજન્સ વિંગ), એ.સી.બી. અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા સુપરવિઝન અધિકારી શ્રી એ.વી. પટેલ, મદદનીશ નિયામક, ફિલ્ડ-3ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.
એ.સી.બી. દ્વારા આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિર્વારણ કાયદા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
