
વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. રાજ્ય સરકાર દ્વારા નાનાપોંઢાને નવા તાલુકા તરીકે મંજૂરી મળતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ મહત્વપૂર્ણ અવસરે કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીના નિવાસસ્થાને વિશેષ ઉજવણી યોજાઈ હતી, જેમાં સ્થાનિક નાગરિકો અને આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વાપી તાલુકાના તે ગામોના પ્રતિનિધિઓ, જે હવે નાનાપોંઢા તાલુકામાં સમાવેશ પામશે, ખાસ હાજરી આપી આ ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યશ્રી રંજનબેન પટેલ, તાલુકા પંચાયત સભ્યો શ્રી કમલેશભાઈ પટેલ, સુભાષભાઈ પટેલ, વાપી તાલુકા મહામંત્રી શ્રી મનોજભાઈ પટેલ સહિતના હોદ્દેદારો, સરપંચો અને ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને નાનાપોંઢા તાલુકા બનવાના આ નિર્ણય માટે રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને એકબીજાને અભિનંદન પાઠવ્યા.
સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોનું માનવું છે કે નાનાપોંઢાને તાલુકો બનાવવાથી હવે પ્રજાને વહીવટી કામકાજ માટે લાંબો અંતર કાપવાની જરૂર નહીં રહે. લોકો માટે સુવિધા વધશે અને સ્થાનિક સ્તરે વિકાસના નવા દ્વાર ખુલી શકશે. આ નિર્ણય સાથે રોજગાર, શિક્ષણ, આરોગ્ય તેમજ ગ્રામિણ વિકાસની ગતિને નવો વેગ મળશે તેવી આશા સૌએ વ્યક્ત કરી.
કાર્યક્રમ દરમિયાન ભારતીય જનસંઘના સ્થાપક તથા એકાત્મ માનવદર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સૌએ એકતા, વિકાસ અને અંત્યોદયના પંથ પર આગળ વધવાની પ્રતિજ્ઞા લઈને આ પ્રસંગને યાદગાર બનાવી દીધો હતો.
