
ધરમપુર સ્થિત વ્યાસ તીર્થ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે વિશાળ સ્તરે માતાજીની આરાધના ચાલી રહી છે. ભક્તિભાવથી આયોજિત આ મહાયજ્ઞનું મુખ્ય આકર્ષણ એકાદશ કુંડિય સતચંડી મહાયજ્ઞ છે. પૂજ્ય દાદાના આશીર્વાદ અને ભાગવતાચાર્ય પૂ. આશિષભાઈ વ્યાસજીના સાનિધ્યમાં આ પવિત્ર યજ્ઞવિધિનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૨મી સપ્ટેમ્બરથી આરંભ થયેલું આ મહાયજ્ઞ સતત દસ દિવસ સુધી ચાલશે અને ૧ ઓક્ટોબરે વિધિવત પૂર્ણાહુતિ સાથે સમાપન કરવામાં આવશે. સતચંડી મહાયજ્ઞના દૈનિક કાર્યક્રમોમાં વેદમંત્રોચ્ચાર, હવનવિધિ, દુર્ગા પાઠ, આરતી અને ભક્તિ સંગીતનો સમાવેશ થાય છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં દુર્ગાસપ્તશતી પાઠ તથા શક્તિની આરાધનાથી સમગ્ર સ્થળે આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થાય છે.
દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વ્યાસ તીર્થ ખાતે ઉપસ્થિત રહી માતાજીના દર્શન અને આરાધનાનો લાભ લઈ રહ્યા છે. યજ્ઞ દરમિયાન ભક્તોને પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવી રહ્યા છે કે શક્તિની ઉપાસના દ્વારા જીવનમાં સકારાત્મક શક્તિ, આધ્યાત્મિક બળ અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.
ધરમપુર અને આસપાસના વિસ્તારના ભક્તોમાં આ સતચંડી મહાયજ્ઞ પ્રત્યે અત્યંત ઉત્સાહ જોવા મળે છે. સમસ્ત યજ્ઞવિધિમાં સહભાગી થનારા યજમાન, સેવક તથા ભક્તોને આ અવસર જીવનમાં અવિસ્મરણીય આધ્યાત્મિક અનુભૂતિ આપી રહ્યો છે. વ્યાસ તીર્થ ખાતે આયોજિત આ નવરાત્રિ મહોત્સવ માત્ર ધાર્મિકવિધિ નથી પરંતુ ભક્તોને એકતા, ભક્તિભાવ અને શક્તિપ્રાપ્તિનો સંદેશ આપતો એક પવિત્ર ઉત્સવ બની રહ્યો છે.
