
કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે આજે મિશન મંગલમ યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન ગ્રામ પંચાયત હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કપરાડાના માનનીય ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીથી જિલ્લા લાઈવલીહુડ મેનેજરશ્રી, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા નાનાપોંઢા ગામના સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે મહાનુભાવોના હસ્તે કુલ 11 સખી મંડળોને કેશ ક્રેડિટ લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કુલ મળીને રૂપિયા 53 લાખની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળો દ્વારા વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે, જે ગ્રામિણ મહિલાઓ માટે આત્મનિર્ભરતા તરફનું મહત્વનું પગલું છે. તેમણે બહેનોને પોતાના કાર્યમાં વધુ પ્રગતિ કરવા તથા સ્વરોજગારના ક્ષેત્રે નવી પહેલ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા લીધી હતી. બાદમાં પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દ્વારા મહિલાઓને આર્થિક સશક્તિકરણ સાથે ગ્રામ વિકાસના નવા માર્ગો ખુલે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
