
ડોલવણ તાલુકા પાટી મુખ્ય શાળાના દૂટાળા ફળિયાના ધોરણ 9 થી 12ના કેટલાક વિદ્યાર્થીઓ પાસે ગણવેશ નહોતો.
શિક્ષકે જણાવ્યું કે શાળામાં અભ્યાસ કરતી ઘણી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પાસે યોગ્ય ગણવેશ ખરીદવાની સગવડ નથી. આ ચર્ચા Rainbow Warrior’s Dharampur ટીમને ખૂબ સ્પર્શી ગઈ. ટીમના સભ્યો તરત જ સંકલ્પ કર્યો કે શાળાના આ વિદ્યાર્થીઓને ગણવેશ ઉપલબ્ધ કરાવીને શિક્ષણ પ્રત્યેનો તેમનો આત્મવિશ્વાસ વધારવો.
સંસ્થાના કાર્યકરો – અંકિતભાઈ પટેલ, મીત્યાંગ પટેલ, જયેશભાઈ પવાર, ધર્મેશભાઈ નાયક, જીગ્નેશભાઈ નાયકા અને નવીનભાઈ પ્રજાપતિએ મળીને આ કાર્યની જવાબદારી સ્વીકારી. તેમણે તમામ ખર્ચ પોતે ઉઠાવવાની વાત કરી. થોડા જ દિવસોમાં જરૂરી ગણવેશ તૈયાર કરાવીને આજ રોજ પાટી મુખ્ય શાળાના દૂટાળા ફળિયાના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદ અને સંતોષ છવાઈ ગયો. સામાન્ય રીતે ગામડાંના બાળકો માટે ગણવેશ જેવી બાબત મોટી લાગતી નથી, પરંતુ આ ભેટ તેમને માટે આત્મવિશ્વાસ અને પ્રોત્સાહનની મોટી ભેટ બની. નવા કપડાં પહેરીને વિદ્યાર્થીઓએ ખુશીના સ્મિત સાથે સેવા આપનાર કાર્યકરોનો આભાર માન્યો.
Rainbow Warrior’s Dharampurના સભ્યોએ જણાવ્યું કે તેમનું મુખ્ય ધ્યેય ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક જાગૃતિ માટે સતત કાર્ય કરવાનું છે. વાવાઝોડામાં રાહત કાર્ય દરમિયાન થયેલી નાની ચર્ચાએ આ સેવાયજ્ઞને જન્મ આપ્યો, જે સંસ્થાની સંવેદનશીલતા અને માનવતાની પ્રતિબદ્ધતાનું દર્પણ છે.
શાળાના શિક્ષક દલપતભાઈ નાયકાએ જણાવ્યું કે આવા સેવાકાર્યો ગામના બાળકો માટે આશીર્વાદ સમાન છે. અનેક ગરીબ પરિવારો ગણવેશ ખરીદી શકતા નથી, તેવા સમયે મળેલી આ મદદ શિક્ષણને આગળ ધપાવવામાં પ્રેરણા રૂપ સાબિત થશે.
ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા Rainbow Warrior’s Dharampurની ટીમને હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.
એક નાનકડી ભેટ દ્વારા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધ્યો – એ જ Rainbow Warrior’s Dharampurના સેવાકાર્યની સૌથી મોટી સફળતા ગણાઈ શકે.
