
તાલુકા વિકાસ અધિકારી આનંદ પટેલના નેતૃત્વ હેઠળ ગ્રામ્ય સુવિધાઓ અને યોજનાઓના અમલ પર ચર્ચા

વલસાડ જિલ્લાના નવનિર્મિત નાનાપોઢા તાલુકામાં વહીવટી પારદર્શકતા અને સુવ્યવસ્થિત કામગીરી માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ વિશેષ પરિચય સંવાદ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકામાં આવતાં તમામ ગામોના સરપંચો, તલાટીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે નવી તાલુકા રચનાથી નાનાપોઢા વિસ્તારના ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે. હવે ગ્રામજનોને વહીવટી સુવિધાઓ માટે દૂર જવાનું ન રહીને ઘરઆંગણે સરકારની સેવા મળશે. સરપંચો તથા તલાટીઓને શાસકીય યોજનાઓના લાભ ગ્રામજનો સુધી પહોંચાડવામાં વધુ જવાબદારીપૂર્વક જોડાવા આહ્વાન કર્યું હતું.
પરિચય સંવાદ દરમિયાન વિવિધ ગામોના પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારના વિકાસ માટેના મુદ્દાઓ અને સૂચનો રજૂ કર્યા હતા. તાલુકા તંત્રે વિશ્વાસ આપ્યો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, માર્ગ, સ્વચ્છતા અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓના કામોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
આ સંવાદ કાર્યક્રમ દ્વારા નાનાપોઢા તાલુકાના વિકાસ માટે સરપંચો, તલાટીઓ અને વહીવટી તંત્ર વચ્ચે સહકાર અને સંકલનનું મજબૂત માળખું ઉભું થયું છે, જે આગામી દિવસોમાં ગ્રામ્ય વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે.
