ધરમપુર-વલસાડ વચ્ચેની ઇન્ટરસીટી બસ સેવા બની ત્રાસદાયક, મુસાફરોમાં આક્રોશ.

ધરમપુર અને વલસાડ વચ્ચે ચાલી રહેલી પરિવહન સુખાકારી ઇન્ટરસીટી બસ સેવા છેલ્લા કેટલાક સમયથી અનિયમિત બની ગઈ છે, જેના કારણે દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા 33 વર્ષથી સતત ચાલતી આ રૂટ બંને ડેપો માટે સૌથી વધુ આવક આપતી રૂટ ગણાય છે, છતાં ડેપોના મેનેજરોની બેદરકારી અને અયોગ્ય આયોજનના કારણે આજની તારીખે આ સેવા મુસાફરો માટે માથાનો દુખાવો બની ગઈ છે.

સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન બસ રૂટ કેન્સલ થવાથી મુસાફરો ડેપો પર કલાકો સુધી રાહ જોતા રહે છે અને ઘણીવાર 56 સીટ ધરાવતી બસોમાં 90થી 100 જેટલા મુસાફરો ઘેટાં-બકરાની જેમ ધસાઇને મુસાફરી કરતા જોવા મળે છે.

છેલ્લા કેટલાક દિવસોથી ધરમપુર અને વલસાડ ડેપો પર રૂટ કેન્સલ થવાના કારણે સાંજના સમયે મુસાફરોનો જમાવડો થતો જોવા મળે છે. અચાનક બસ રદ થવાથી મુસાફરો ગુસ્સે થઈ ડેપો સ્ટાફ સાથે વાદવિવાદ કરતા નજરે પડે છે. સોશિયલ મીડિયામાં પણ ધરમપુર અને વલસાડ ડેપોની દયનીય હાલત દર્શાવતા વીડિયો વાયરલ થતા બંને ડેપોના મેનેજમેન્ટ પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.

મુસાફરોનું કહેવું છે કે સવારે અને સાંજે ખાસ પીક અવર્સ દરમિયાન નોન-સ્ટોપ ઇન્ટરસીટી બસ સેવા શરૂ કરવામાં આવે તો મુશ્કેલીઓમાં ઘણો ઘટાડો થાય, કારણ કે ધરમપુર-વલસાડ રૂટ હજારો વિદ્યાર્થીઓ અને નોકરીયાતો માટે જીવનરેખા સમાન છે.

કેટલાક મુસાફરાઓ એ પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું કે વલસાડ ડેપોનાં પૂછપરછમા બસનું સ્ટેટસ પૂછો તો એમ કહે કે આ તો ધરમપુર ડેપોની બસ છે અને ધરમપુર પૂછપરછમા સ્ટેટસ પૂછીએ તો એમ કહે કે આ તો વલસાડ ડેપોની બસ છે એટલે જ્યારે આવશે ત્યારે ઉપડશે એવા ઉડાઉ જવાબ મળે છે અને બેવ ડેપો જાણે ભારત-પાકિસ્તાનની જેમ અલગ અલગ હોય એમ વર્તન કરવામાં આવે છે.

મુસાફરોએ વલસાડ વિભાગીય કચેરી ખાતેના ડીસી અને ઉચ્ચ અધિકારીઓને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. મુસાફરોના આક્રોશ છતાં વિભાગની ઉદાસીનતા યથાવત રહેતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે.

છેલ્લા 10-15 વર્ષથી ST બસોમાં અપડાઉન કરતા ઘણા મુસાફરો ખરાબ રસ્તા અને ST બસોની બિસ્માર હાલતના કારણે પોતાના ખાનગી વાહન વડે અવરજવર કરવા મજબૂર બન્યા છે,

કેટલાક મુસાફરોએ જણાવ્યું કે “ડિજિટલ ઈન્ડિયા”ની વાત કરતી આ સરકારના ST વિભાગમાં આજેય UPI દ્વારા ચુકવણીની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે મુસાફરોને છૂટા પૈસા માટે તકલીફ થાય છે,લારી-ગલ્લા વાળા પણ અપગ્રેડ થઈને ઓનલાઈન પેમેન્ટ લેતા થયા છે પણ એસટી વિભાગ આગળ નથી વધ્યું. બસનો પાસ કાઢાવવા માટે પણ લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે.

ડિજિટલ વર્લ્ડ અને AIના આ જમાનામાં ST વિભાગ આગળ વધવા બદલે પાછળ જઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે. ઘણી બસોની હાલત પણ ખખડધજ છે,અને આજનાં ડિજિટલ જમાનામાં પણ લોકોને લાઇનમા ઊભા રાખીને પાસ કાઢવામાં આવે છે.

સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે કે રેલવેની વંદે ભારત ટ્રેનના એક સ્ટોપ માટે ગૌરવ લેતા સાંસદ ધવલ પટેલ ધરમપુર-વલસાડ રૂટની આ ગંભીર સમસ્યા તરફ ધ્યાન આપે તેવી મુસાફરોમાં અપેક્ષા વ્યક્ત થઈ રહી છે, કારણ કે 33 વર્ષ જૂની આ મહત્વપૂર્ણ ઇન્ટરસીટી બસ સેવાની અવગણના સાંસદ માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત ગણાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles