રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના કપરાડા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી

સમગ્ર ગુજરાતમાં કપરાડામાં સૌથી વધુ આવાસ અને ચેકડેમના કામો થયાઃ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

ટીબીના નિદાન માટે રૂ. ૯.૫૦ લાખના ખર્ચે અત્યાધુનિક ટ્રુ નાટ મશીનની સુવિધા કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરાવાઈ

રૂ. ૪૧૩.૩૪ લાખના ખર્ચે ૧૩ જેટલા ચેકડેમ કમ કોઝવેનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ. ૨૨૨.૭૪ લાખના ખર્ચે સાત જેટલા ચેકડેમ કમ કોઝવેનું ઈ- લોકાર્પણ કરાયુ
ગુજરાતના તત્કાલીન

મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ૨૪ વર્ષની ઉજવણી નિમિત્તે તા. ૦૭ થી તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૫ સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી થઈ રહી છે.

વલસાડ જિલ્લાના કપરાડા ખાતે વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી.
આ પ્રસંગે વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે આદિવાસી બાંધવોને સંબોધી જણાવ્યું કે, તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો નવો અધ્યાય શરૂ કર્યો હતો. ૨૪ વર્ષથી આ વિકાસ યાત્રા અવિરત ચાલી આવી છે. આદિવાસી સમાજનો વિકાસ થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ લઈ આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાભ નાગરિકોને તેમના ઘર આંગણે મળી રહ્યો છે. દાયકાઓથી ચાલી આવતી વચેટીયા પ્રથા મોદીજીએ નાબૂદ કરી સરકારની યોજનાના પૂરેપુરા નાણાં સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. કપરાડાની આદિવાસી માતા અને બહેન દીકરીની ચિંતા કરી શૌચાલય બનાવી આપ્યા, દેશભરમાં અંદાજે ૧૨ કરોડથી વધુ શૌચાલય બન્યા છે. વર્ષ ૨૦૧૯થી લોકોને ફ્રીમાં અનાજ મળી રહ્યુ છે. આદિમ જૂથના લોકોને લાભ મળ્યા છે. આજે દરેકના ખિસ્સામાં આયુષ્યમાન કાર્ડ હોવાથી માંદગીના સમયે કોઈ પાસે હાથ લંબાવવો પડતો નથી. પહેલા સરકારી કર્મચારીઓને આયુષ્મયાન કાર્ડ મળતા ન હતા હવે તેઓને પણ મળી રહ્યા છે. ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વડીલોને વય વંદના કાર્ડ આપવામાં આવ્યા છે. જે રિન્યુ કરવાના રહેતા નથી. જીવે ત્યાં સુધી ઉપયોગ કરી શકે છે. પીએમ કિસાન સમ્માન નિધિથી મોદીજીએ દરેક ખેડૂતનું સન્માન કર્યુ છે. જીએસટીના દર ઘટાડ્યા છે, સ્વદેશી અભિયાન શરૂ કર્યુ છે.સમગ્ર ગુજરાતમાં કપરાડામાં સૌથી વધુ આવાસના અને ચેકડેમના કામો થયા છે. ત્યારે હાલમાં ફરી રહેલો વિકાસ રથ ગામે ગામ જાય તો તેને અવશ્ય આવકારજો અને તમને ઉપયોગી યોજનાનો લાભ મેળવજો.
કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતની શાસન ધૂરા સંભાળી વિકાસ ગાથાની શરૂઆત કરી હતી તેના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. ૨૪ વર્ષ પહેલા ગુજરાતની કેવી હાલત હતી અને આજે ગુજરાતમાં છેવાડાના નાગરિક સુધી રસ્તા, પાણી અને વીજળી સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ થઈ છે. છેવાડાના આદિમજૂથ સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચે અને આદિમજાતિના લોકો પણ વિકાસની હરોળમાં જોડાય તે માટે પીએમ જનમન અભિયાન શરૂ કરાવ્યુ હતું. નાનામાં નાના દરેક નાગરિકની ચિંતા વડાપ્રધાનશ્રી એ કરી છે.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે આદિમ જૂથ આવાસ યોજનાના ચાર લાભાર્થીને રૂ. ૪૦,૦૦૦ના ચેકનું વિતરણ, વ્હાલી દીકરી યોજના હેઠળ એક લાભાર્થીને રૂ. ૧,૧૦,૦૦૦ના મંજૂરી આદેશ અને વિધવા સહાય યોજના હેઠળ એક વિધવા લાભાર્થીને માસિક રૂ, ૧૨૫૦ના પેન્શનના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીના નિદાન માટે રૂ. ૯.૫૦ લાખના ખર્ચે અત્યાધુનિક ટ્રુ નાટ મશીનની સુવિધા કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે જેનુ ઈ-લોકાર્પણ મંત્રીશ્રીના હસ્તે કરાયુ હતું. આ સાથે જ રૂ. ૪૧૩.૩૪ લાખના ૧૩ જેટલા ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત અને રૂ. ૨૨૨.૭૪ લાખના ખર્ચે સાત જેટલા ચેકડેમ કમ કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મ સૌને બતાવવામાં આવી હતી. આ સાથે મંત્રીશ્રી સહિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હીરાબેન પી માહલા, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મીનાક્ષીબેન ગાંગોડા, જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન ગાયકવાડ, ભગવાનભાઈ બાંતરી, ગુલાબભાઈ રાઉત, કપરાડાના સરપંચ શ્રીમતી શાંતિબેન મુહુડકર, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને વાપી પાલિકાના માજી પ્રમુખ હાર્દિક શાહ, કપરાડા તાલુકા સંગઠન પ્રમુખ વિપુલ ભોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.વી.બાભરોલીયા, પ્રાંત અધિકારી આર.સી.પટેલ, મામલતદાર હાર્દિક ધોળિયા, તાલુકા વિકાસ અધિકારી આનંદ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles